રાજ્ય સરકારના નેતૃત્વમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ તેમજ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં તા. 10 ફેબ્રુઆરીના રોજ કેન્દ્ર તથા રાજ્ય સરકાર અમલીકૃત આવાસ યોજનાઓ અંતર્ગત રાજ્યના 33 જિલ્લાઓમાં રૂ. 2,993 કરોડના ખર્ચે કુલ 1,31,454 આવાસોનું ઈ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
કપડવંજ જુના એપીએમસી ખાતે ધારાસભ્ય રાજેશ ઝાલા, પૂર્વ ધારાસભ્ય મણીભાઈ પટેલ, કનુભાઈ ડાભી, પ્રાંત અધિકારી અનિલ ગોસ્વામી,નાયબ જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા ભાજપ મહામંત્રી રાજેશ પટેલ, જિલ્લા સહકારી સંઘના ચેરમેન જયેશ પટેલ, નગરપાલિકા પ્રમુખ વર્ષા પંચાલની ઉપસ્થિતિમાં પ્રધાનમંત્રી આવાસ યોજના લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આવાસ યોજનાના લાભાર્થીઓને નવા મકાનોની ચાવી વિતરણ કરવામાં આવી હતી. સાથે જ પ્રધાનમંત્રીના નરેન્દ્ર મોદીના સંદેશને વર્ચ્યુઅલ માધ્યમથી સાંભળવામાં આવ્યો હતો. ઉપરાંત, પ્રાથમિક શાળાની વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક નૃત્યો રજુ કરવામાં આવ્યા હતાં.
ઉપસ્થિત મહાનુભાવોએ સાત હજારથી વધુ જનમેદનીને સંબોધતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારની વિવિધ યુવાનો, મહિલાઓ, ખેડૂતો, ગરીબો, બેરોજગારો માટેની પ્રજાલક્ષી યોજનાઓના કારણે અનેક લોકોનું જીવન ધોરણ ઊંચું આવ્યું છે. મકાન વિહોણા અને જર્જરીત અને જૂના થઈ ગયેલા સામાન્ય વ્યક્તિઓને આ સરકારે નવું મકાન બનાવી આપી મદદ કરી છે. સમગ્ર જીવનની કમાણી પછી પણ સામાન્ય માણસ ઘર કે મકાન બનાવી શકતો નથી ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ આવા નાગરિકોની ચિંતા કરી આવાસ યોજના અમલમાં મૂકી કરોડો નાગરિકોને મકાન આપી તેમનું સ્વપ્ન સાકાર કર્યું છે.કોઈને બીજા ના આધારે રહેવું ન પડે અને તમામ નાગરિકો સ્વમાનભેર જીવન જીવી શકે અને આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ દ્વારા સહાય પૂરી પાડવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોને ત્રણે વખત પાકના વાવેતર માટે મદદરૂપ થવા સહાય રકમ ત્રણ હપ્તામાં ખેડૂતોને સીધી તેમના ખાતામાં જમા આપવામાં આવે છે.ગરીબ પરિવારોને માંદગી કે અકસ્માત વખતે વ્યાજે પૈસા લેવા ન પડે કે કોઈ આગળ હાથ લંબાવવો ન પડે તે માટે આયુષ્માન કાર્ડ અંતર્ગત ૧૦ લાખ સુધીની નિ:શુલ્ક સારવાર પૂરી પાડવામાં આવે છે. ગરીબ કલ્યાણ અન્ન યોજના દ્વારા જરૂરિયાતમંદોને વિનામૂલ્યે અનાજ પૂરું પાડવામાં આવી રહ્યું છે. બાળકીઓ અને ધાત્રી માતાઓના પોષણ માટે સરકાર પોષણ કીટ પૂરી પાડી રહી છે. ઉજ્જવલા યોજના હેઠળ વિનામૂલ્યે ગેસ કનેક્શન આપી મહિલાઓને ધુમાડામાંથી મુક્તિ આપવામાં આ સરકારે સીમાચિહ્ન રૂપ કાર્ય કર્યું છે.
આ પ્રસંગે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત યોજાયેલ કાર્યક્રમોમાં આવાસ યોજનાના લાભાર્થીઓએ તેમને મળેલ યોજનાકીય લાભો વિશે વાત કરતા જણાવ્યું હતું કે અગાઉ તેમને કાચા-માટીના મકાનોમાં ખાસ કરીને ચોમાસાના સમયે તકલીફ રહેતી હતી. પરંતુ નવા મકાન પછી તેઓને વિજળી, ટોયલેટ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ સરળતાથી ઉપલબ્ધ થઈ છે અને આજે તેમના બાળકોને અભ્યાસમાં પણ ફાયદો થયો છે. આમ, મકાન બનવાની સાથે જ તેમનુ સામાજિક-આર્થિક જીવનસ્તર ઉંચુ આવ્યુ છે. તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે કપડવંજ-કઠલાલના મામલતદાર આર.પી.પરમાર, દેવમ ચૌહાણ, તાલુકા વિકાસ અધિકારી મહિપતસિંહ ચૌહાણ,,ચીફ ઓફિસર કૈલાસબહેન પ્રજાપતિ, ઉર્મિલાબહેન, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ સેજલ બ્રહ્મભટ્ટ, મંત્રી ધુળાભાઈ સોલંકી, એપીએમસી પૂર્વ ચેરમેન નિલેશ પટેલ,ગણપત રાઠોડ, નરેન્દ્ર પટેલ સહિત અધિકારીઓ પદાધિકારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમનું સંચાલન અનુપસિંહ પરમારે કર્યું હતું.