અમેરિકાના ન્યૂયોર્ક સિટીએ સોશિયલ મીડિયાને જાહેર આરોગ્ય માટે ખતરો 3 અને પર્યાવરણ માટે ઝેર ગણાવ્યું છે. ન્યૂયોર્ક સિટી આ પ્રકારનું પગલું ભરનારું અમેરિકાનું પહેલું મોટું શહેર બની ગયું છે જેણે લોકોને એ વિચારવા મજબૂર કરી દીધા છે કે સોશિયલ મીડિયા બાળકો માટે કેટલું નુકસાનકારક અને ખતરનાક સાબિત થઈ શકે છે.
હકીકતમાં 25 જાન્યુઆરીના રોજ ન્યુયોર્ક સિટીના મેયર એરિક એડમ્સે સોશિયલ મીડિયાને “જાહેર આરોગ્ય માટે ખતરો’ અને પર્યાવરણીય ઝેર’ ગણાવતા એક એડવાઈઝરી કરી હતી. તેમણે એમ પણ કહ્યું કે યુવાનોને ઓનલાઈનથી થતાં નુકસાનથી સુરક્ષિત રાખવા જોઈએ. આ જાહેરાત પછી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સથી વધતાં જોખમોની ફરી ચર્ચા કરવામાં આવી રહી છે.
સોશિયલ નેટવર્કિંગ પ્લેટફોર્મના કારણે લોકો સાથે ફેસ ટૂ ફેસ વાતચીત કરવાનું ઘટી રહ્યું છે. આ આપણને સામાજિક રીતે તો અસર કરે જ છે પરંતુ સાથે માનસિક બીમાર પણ બનાવે છે. અન્ય લોકોના જીવનમાં થતી ચડતી અને તેમની ખુશી ઘણા લોકોથી સહન નથી થતી અને તેઓ પોતાના જીવનને લઈને હતાશામાં ગરકાવ થઈ જાય છે. એક સમય એવો આવે છે કે વ્યક્તિ ડિપ્રેશનનો શિકાર બની જાય છે. તેથી સંશોધકો ડિપ્રેશન અને અન્ય ઘણી શારિરીક સમસ્યાઓના કારણો માટે પણ સોશિયલ મીડિયાને દોષિત માને છે.
કલાકથી વધુ સમય સુધી સોશિયલ મીડિયાના ઉપયોગથી ડિપ્રેશનનું જોખમ બમણું
સોશિયલ મીડિયા એડવાઈઝરીમાં ન્યૂયોર્કના મેયરે માતા-પિતાને વિનંતી કરી છે કે તેઓ 14 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને સ્માર્ટફોન ન આપે. સોશિયલ મીડિયાની નકારાત્મક અસરો વિશે વાત કરીએ તો તેનાથી બાળકોમાં ડિપ્રેશન અને માનસિક સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર જે બાળકો દિવસમાં 3 કલાકથી વધુ સમય સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે તેમનામાં ડિપ્રેશનનું જોખમ બમણું હોય છે. આ સિવાય સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતાં 13થી 17 વર્ષની વયનાં બાળકોમાંથી 46 ટકાએ કહ્યું કે તેઓ ડિપ્રેશનથી પીડિત છે.