બોલિવૂડના લેજેન્ડરી અભિનેતા ધર્મેન્દ્રની તબિયત હાલ અત્યંત નાજુક બની ગઈ છે. 89 વર્ષના ધર્મેન્દ્ર છેલ્લા 10 દિવસથી મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને હાલ તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. સૂત્રો મુજબ, તેમના પરિવારજનો હોસ્પિટલમાં હાજર છે અને તેમની બંને દીકરીઓને અમેરિકા (USA)માંથી તાત્કાલિક ભારત બોલાવવામાં આવી છે.
ધર્મેન્દ્રને 31 ઑક્ટોબરના રોજ રાતે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યારે તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે તેમને માત્ર રૂટિન ચેકઅપ અને ઉંમરજનિત સમસ્યાઓને ધ્યાનમાં રાખીને એડમિટ કરાયા છે, પરંતુ છેલ્લા થોડા દિવસોમાં તેમની તબિયત વધુ ખરાબ થતા તેમને આઇસિયુમાં ખસેડવામાં આવ્યા છે.
89 વર્ષની ઉંમર છતાં ધર્મેન્દ્ર હંમેશા ખૂબ સક્રિય રહ્યા છે. તાજેતરમાં તેઓ 2024માં આવેલી ફિલ્મ ‘તેરી બાતોં મેં ઐસા ઉલજા જિયા’માં જોવા મળ્યા હતા અને 2023ની હિટ ફિલ્મ ‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં દેખાયા હતા. હવે તેઓ પોતાની આવનારી ફિલ્મ ‘ઇક્કીસ’માં સૌથી નાની વયના પરમવીર ચક્ર વિજેતા સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલના પિતાની ભૂમિકા ભજવી રહ્યા છે.
ધર્મેન્દ્ર સોશિયલ મીડિયામાં પણ ખૂબ સક્રિય છે અને અવારનવાર પોતાના ચાહકો સાથે સંવાદ કરતા રહે છે. થોડા દિવસો પહેલા તેમણે એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેઓ ફિઝિયોથેરાપી લેતા જોવા મળ્યા હતા. વીડિયોની સાથે તેમણે લખ્યું હતું, “મિત્રો, તમારી પ્રાર્થના અને આશીર્વાદથી હું ફિટ અને ફાઇન રહેવા માટે સખત મહેનત કરી રહ્યો છું. યોગ, કસરત અને હવે ફિઝિયોથેરાપી કરી રહ્યો છું.”
થોડા સમય પહેલા ધર્મેન્દ્રએ જીમમાંથી પણ વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં તેમણે કહ્યું હતું, “મિત્રો, હું તમને પ્રેરણા આપવા અને મનોરંજન આપવા માટે જન્મ્યો છું. સ્વસ્થ રહો, મજબૂત રહો.” વીડિયોમાં તેમણે પોતાની ફિટનેસ પ્રત્યેનો જુસ્સો વ્યક્ત કર્યો હતો.
હાલ તેમના ચાહકો અને આખું ફિલ્મ જગત ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને ચિંતિત છે અને સૌ તેમની ઝડપથી તબિયત સુધરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel