ભારત દુનિયાનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનવા તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે, અને સાથે સાથે અબજોપતિ પરિવારોની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. બાર્કલેઝ પ્રાઇવેટ ક્લાયન્ટ્સ-હુરુન ઈન્ડિયા 2025ની તાજી રિપોર્ટ અનુસાર, આ વર્ષે યાદીમાં 94 નવા અબજોપતિ પરિવારો જોડાયા છે, જ્યારે કુલ 300 પરિવારોની સંયુક્ત સંપત્તિ 134 લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. આ સંપત્તિ તુર્કીયે અને ફિનલેન્ડની સંયુક્ત જીડીપી કરતાં પણ વધુ છે. સરેરાશ દૈનિક વેપાર 7,100 કરોડ રૂપિયા છે. માત્ર ટોચના 10 પરિવારોની કુલ વેલ્યુ 40.4 લાખ કરોડ છે, જે ગયા વર્ષની સરખામણીએ 4.6 લાખ કરોડનો વધારો દર્શાવે છે.
સતત બીજા વર્ષે, અંબાણી પરિવાર યાદીમાં નંબર-1 પર રહ્યો છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિકીની કુલ વેલ્યુ 28.2 લાખ કરોડ રૂપિયા છે. તેમના બાદ કુમાર મંગલમ બિરલા પરિવાર 6.5 લાખ કરોડ સાથે બીજા ક્રમે અને જિન્દાલ પરિવાર 5.7 લાખ કરોડ સાથે ત્રીજા ક્રમે છે. પહેલી પેઢીના સૌથી મૂલ્યવાન બિઝનેસમાં અદાણી પરિવાર 14 લાખ કરોડ સાથે ટોચ પર છે, જ્યારે પૂનાવાલા પરિવાર 2.3 લાખ કરોડ સાથે બીજા સ્થાને છે. 93 વર્ષના કનૈયાલાલ માણેકલાલ શેઠ, ગ્રેટ ઈસ્ટર્ન શિપિંગના પ્રમુખ, યાદીમાં સૌથી વૃદ્ધ સક્રિય બિઝનેસ લીડર છે.
યાદીમાં સૌથી વધુ બીજી પેઢીના 227 ઔદ્યોગિક પરિવારો છે, જ્યારે ત્રીજી પેઢીના 50 અને ચોથી પેઢીના 18 પરિવારોનો સમાવેશ થાય છે. સૌથી જૂના ઔદ્યોગિક વાડિયા પરિવારની વેલ્યુ 1.58 લાખ કરોડ છે. બાર્કલે પ્રાઇવેટ બેન્કના એશિયા પેસિફિક વડા નીતિન સિંહના જણાવ્યા મુજબ, આગામી પાંચ વર્ષમાં અંદાજે 130 લાખ કરોડની સંપત્તિ એક પેઢીથી બીજી પેઢીને ટ્રાન્સફર થશે, જે ભારતના ઈતિહાસમાં સૌથી મોટું સંપત્તિ હસ્તાંતરણ ગણાશે. હાલ 71 પરિવારો પોતાની અલગ પારિવારિક ઓફિસ ચલાવે છે, જેથી ધન અને બિઝનેસનું અસરકારક સંચાલન કરી શકાય.
આ પરિવારો દેશની અર્થવ્યવસ્થામાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યા છે — માત્ર ગયા વર્ષે જ ટોચના 300 પરિવારો દ્વારા 1.8 લાખ કરોડ રૂપિયા ટેક્સ ચુકવાયો અને 20 લાખથી વધુ લોકોને રોજગારી આપવામાં આવી, જે બહેરીનની કુલ વસ્તી કરતાં પણ વધુ છે. યાદીમાં ટોચના 10માં પ્રવેશવા માટે ઓછામાં ઓછી 2.2 લાખ કરોડની વેલ્યુ જરૂરી છે, જે ગયા વર્ષ કરતાં 18,700 કરોડ વધુ છે. ટોપ-50 માટે 54,700 કરોડ અને ટોપ-200 માટે 4,600 કરોડની લિમિટ છે.
ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ બનાવતા સેક્ટર વેલ્યુની બાબતમાં સૌથી આગળ છે. આ સેક્ટરની દરેક કંપનીનું સરેરાશ મૂલ્ય 52,320 કરોડ છે. ફાર્મા સેક્ટરમાં 25 કંપનીઓની સરેરાશ વેલ્યુ 41,000 કરોડથી વધુ છે. આ યાદીમાં 74 ટકા કંપનીઓના શેર બજારમાં લિસ્ટેડ છે. 62 કંપનીઓમાં પ્રોફેશનલ સીઈઓ એટલે કે પરિવારથી બહારના લોકો કંપનીનું કામકાજ સંભાળી રહ્યા છે જ્યારે 22 કંપનીઓનું સુકાન મહિલાઓના હાથમાં છે. હલ્દીરામ 85,800 કરોડની વેલ્યુ સાથે સતત બીજા વર્ષે ભારતની સૌથી મોટી અનલિસ્ટેડ કંપની છે.
- રિચ લિસ્ટના 161 પરિવારોની સંપિત્તિ એક અબજ ડોલરથી વધુ
- રિચ લિસ્ટમાં સામેલ 89 ટકા કંપનીઓ મેન્યુફેક્ચરિંગ, જ્યારે 11 ટકા સર્વિસ સેક્ટરમાં કાર્યરત છે.
- 40 ટકા કંપનીઓ ગ્રાહક સેક્ટરમાં, 49 ટકા બીટુબીમાં જ્યારે 11 ટકા કંપનીઓ બંને સેક્ટરમાં કામ કરે છે.
- રિચ લિસ્ટમાં સામેલ ધનકૂબેર પરિવારો 45 શહેરોમાં વસે છે, જેમાં મુંબઈ 91 પરિવારો સાથે ટોચ પર છે. ત્યાર બાદ એનસીઆરમાં 62 અને કોલકાતામાં 25 પરિવારો વસે છે.
- ઓટોમોબાઈલ અને ઓટો પાર્ટ્સ સેક્ટરની 29 કંપનીઓનું સરેરાશ મૂલ્ય 52,320 કરોડ સૌથી વધુ છે
- 22 કંપનીઓનું નેતૃત્વ મહિલાઓના હાથમાં, ગયા વર્ષે 15 કંપનીઓનું સંચાલન મહિલાઓ કરતી હતી.
- વાડિયા પરિવાર 1.58 લાખ કરોડ સાથે રિચ લિસ્ટમાં સૌથી જૂનો ઔદ્યોગિક પરિવાર.
- શેરના ભાવમાં સૌથી વધુ ઊછાળો અનિલ ગુપ્તા પરિવાર (1116 ગણો), બેનૂ બાંગુર પરિવાર (627 ગણો) અને ધર્મપાલ અગ્રવાલ પરિવાર (427 ગણો)માં થયો છે.
- ટોપ-10માં સ્થાન મેળવવા ઓછામાં ઓછા 2.2 લાખ કરોડની વેલ્યુ જરૂરી, જે ગયા વર્ષ કરતાં 18,700 કરોડ વધુ છે.
અમારી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો
हमारी यूट्यूब चैनल को लाइक, शेयर और सब्सक्राइब करे
Like, Share and Subscribe our YouTube channel