રિઝર્વ બેન્કે ણાવ્યું હતું કે, રૂ.૨,૦૦૦ની ૯૭.૮૨ ટકા ચલણી નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ચૂકી છે. હવે માત્ર રૂ.૭,૭૫૫ કરોડની નોટ જનતા પાસે છે. ૧૯ મે, ૨૦૨૩ના રોજ રિઝર્વ બેન્કે રૂ.૨,૦૦૦ની નોટ પાછી ખેંચવાની જાહેરાત કરી ત્યારે રૂ.૩.૫૬ લાખ કરોડ નોટ સર્ક્યુલેશનમાં હતી.
રિઝર્વ બેન્કના જણાવ્યા અનુસાર “૧૯ મે, ૨૦૨૩થી અત્યાર સુધીમાં રૂ.૨,૦૦૦ની ૯૭.૮૨ ટકા નોટ બેન્કિંગ સિસ્ટમમાં પરત આવી ચૂકી છે.” ઉલ્લેખનીય છે કે, રૂ.૨,૦૦૦ની નોટ જમા કે એક્સ્ચેન્જ કરવાની સુવિધા ૭ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી તમામ બેન્કોની શાખામાં ૭ ઓક્ટોબર, ૨૦૨૩ સુધી ઉપલબ્ધ હતી. જોકે, ત્યાર પછી માત્ર દેશભરની રિઝર્વ બેન્કમાં જ આ નોટ બદલાવવાની સુવિધા છે. અત્યારે રિઝર્વ બેન્કની ૧૯ ઇશ્યૂ ઓફિસમાં રૂ.૨,૦૦૦ની નોટ બદલી શકાય છે. ૯ ઓક્ટોબર, ૨૦૨૩થી રિઝર્વ બેન્કની વિવિધ ઇશ્યૂ ઓફિસ વ્યક્તિઓ અને વિવિધ એન્ટિટી પાસેથી તેમના બેન્ક ખાતામાં જમા કરવા રૂ.૨,૦૦૦ની નોટ સ્વીકારે છે.
લોકો ઇન્ડિયા પોસ્ટ દ્વારા દેશની કોઇ પણ પોસ્ટઓફિસથી રૂ.૨,૦૦૦ની નોટ રિઝર્વ બેન્કની કોઇ પણ ઇશ્યૂ ઓફિસને મોકલાવી તેના નાણાં પોતાના બેન્ક ખાતામાં જમા મેળવી શકે છે. રિઝર્વ બેન્ક દેશભરમાં અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુબનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, બેંગલુરુ, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનઉ, મુંબઇ, નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમમાં ઇશ્યૂ ઓફિસ ધરાવે છે.