અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ના મહત્વાકાંક્ષી અર્ટેમીસ એકોર્ડ્ઝ (ચંદ્રના વિશિષ્ટ સંશોધન, માનવ વસાહત, મૂન ટુ માર્સનો કાર્યક્રમ) માં ભારત પણ જોડાશે. સાથોસાથ, ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન(૨૦૨૪)ના મિશનમાં પણ ભારત અને નાસા બંને સાથે રહેવા સંમત થયાં છે. અમેરિકાના પ્રમુખ જો બાઇડનના સત્તાવાર નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસનાં સૂત્રોએ આવી મહત્વની માહિતી આપી હતી.
જો બાઇડનના વહીવટીતંત્રના એક ઉચ્ચ અધિકારીએ એવી માહિતી પણ આપી હતી કે અંતરીક્ષ સંશોધનને સંબંધ છે ત્યાં સુધી ભારત નાસાના અર્ટેમીસ એકોર્ડ્ઝ પર સહી કરીને અમારી સાથે જોડાઇ રહ્યું છે.અર્ટેમીસ એકોર્ડ્ઝ ખરેખર તો અંતરીક્ષ સંશોધન દ્વારા સમગ્ર માનવજાતના ભવિષ્યના લાભ માટેનો કાર્યક્રમ છે.
આમ તો અંતરીક્ષ સંશોધનને સંબંધ છે ત્યાં સુધી ૧૯૬૭માં આઉટર સ્પેસ ટ્રીટી(ઓ.એસ.ટી.) ના આધારે ૨૧ મી સદીમાં અર્ટેમીસ એકોર્ડ્ઝનો અમલ થઇ રહ્યો છે.
કહેવાનો અર્થ એ છેકે અમેરિકાના નેતૃત્વમાં ૨૦૨૫માં પૃથ્વીના એક માત્ર ઉપગ્રહ ચંદ્ર પર માનવ વસાહત તૈયાર કરવાનો મહત્વાકાંક્ષી કાર્યક્રમ છે. સાથોસાથ ચંદ્રમા પરથી જ સૌર મંડળના લાલ ગ્રહ મંગળ અને અન્ય ગ્રહો પર જવાનો પણ કાર્યક્રમ છે. વ્હાઇટ હાઉસના અધિકારીએ એવી માહિતી પણ આપી હતી કે ૨૦૨૩માં સમાનવ અંતરીક્ષયાત્રાના સહિયારા કાર્યક્રમ માટે પણ નાસા અને ભારતની ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન(ઇસરો) જરૂરી વ્યવસ્થા કરી રહ્યાં છે. ઉપરાંત, ૨૦૨૪માં નાસા અને ઇસરો બંને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં પણ સાથે રહેવા સંમત થયાં છે.
બીજીબાજુ સેમીકન્ડક્ટરના ક્ષેત્રે પણ અમેરિકાની કંપનીઓ ભારત સાથે કરાર કરવા તૈયારી કરી રહી છે. વળી, ઇન્ડિયન નેશનલ સેમીકન્ડક્ટર મિશનના સહકારથી માઇક્રોન ટેકનોલોજી માટે પણ ૮૦૦ અમેરિકન ડોલર કરતાં પણ વધુનું જેંગી રોકાણ કરવાની પણ જાહેરાત થઇ છે.ઉપરાંત, ભારત સરકાર દ્વારા પણ નાણાંકીય સહયોગ મળશે એટલે ભારતમાં કુલ ૨.૭૫ અબજ અમેરિકન ડોલરનું રોકાણ થશે. ભારતમાં સેમીકન્ડક્ટર એસેમ્બલી(જુદા જુદા હિસ્સા જોડવા)નું અને ટેસ્ટ ફેસિલિટી (પરીક્ષણ કરવું) પણ થશે.સાથોસાથ, ભારતમાં વેપારી હેતુસર સેમીકન્ડક્ટર સેન્ટર અને સંશોધન કેન્દ્ર પણ શરૂ થશે.અન્ય એક સેમીકન્ડક્ટર ઉત્પાદન કંપની પણ ભારતના ૬૦,૦૦૦ એન્જિનિયરોને તાલીમ આપવાની જાહેરાત કરશે.
આ સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે બહુ મહત્વનાં ખનિજ તત્ત્વોની સલામતી માટે પણ અમેરિકા ભારતને તમામ સહકાર આપશે.મીનરલ સિક્યુરિટી પાર્ટનરશીપના સભ્યપદ માટે પણ અમેરિકા ભારતને બધો સહયોગ આપશે. વળી, એડવાન્સ્ડ કમ્પ્યુટિંગ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્વોન્ટમ ઇન્ફર્મેશન સાયન્સમાં પણ બંને દેશ અરસપરસ સહકાર આપશે. જોકે બંને દેશ વચ્ચે ઇન્ડો-યુએસ ક્વોન્ટમ
કોઓર્ડિનેશન મિકેનિઝમની શરૂઆત થઇ છે.ભારત અને અમેરિકા વચ્ચે આધુનિક સંદેશાવ્યવહાર સુવિધા માટે ૫ -જી અને ૬ -જી ટેકનોલોજીના ક્ષેત્રમાં પણ સાથે રહેશે. આ ક્ષેત્રમાં ઓપન રેડિયો એક્સેસ નેટવર્ક નો પણ સમાવેશ થાય છે.
આ સૂત્રોએ એવી માહિતી પણ આપી હતી કે ઉચ્ચ શિક્ષણ, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ ,કૃષિ, ઉર્જા, આરોગ્ય વગેરે ક્ષેત્રમાં પણ ભારત-અમેરિકા વચ્ચે બહોળો સહયોગ થશે.