ભારત વિકાસ પરિષદ, કપડવંજ શાખા દ્વારા સંસ્થાના તેજસ્વી તારલાઓનો ઇનામ વિતરણ કાર્યક્રમ જાણીતા વીમા એજન્ટ અને અનેક સામાજિક પ્રવૃત્તિઓમાં દાનની સરવાણી વહેવડાવનાર સમાજસેવક જનકભાઈ ભટ્ટ અને જીવનશિલ્પ પરિવારના મણીભાઈ પટેલની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે ઉપસ્થિત જનકભાઈ ભટ્ટે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે શિક્ષણના માધ્યમથી જ જીવનમાં સફળતા મેળવી શકાય છે. શિક્ષણ એ જ સાચી મૂડી છે.તેઓએ પોતે ઉચ્ચ શિક્ષણ ન મેળવી શકવાનો રંજ વ્યક્ત કરી વિદ્યાર્થીઓને અભ્યાસમાં ધ્યાન આપી ઉજ્જવળ ભવિષ્ય બનાવવા અનુરોધ કર્યો હતો. અને સંસ્થાના તમામ 100 જેટલા તેજસ્વી તારલાઓને પોતાના તરફથી ઇનામ આપ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત મણીભાઈ પટેલે ભારત વિકાસ પરિષદની પ્રવૃત્તિઓની પ્રશંષા કરી વ્યક્તિ, સમાજ કે રાજ્યની નહીં,પરંતુ સમગ્ર ભારતના વિકાસ માટે ભારત વિકાસ પરિષદ કામ કરી રહી હોવાનું જણાવી સંસ્થાની સેવાઓની પ્રશંસા કરી હતી.
સંસ્થાના સદસ્ય શાંતિલાલ જૈને ગામડાની શાળામાં અભ્યાસ કરતા ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખી ચોપડા વિતરણની પ્રવૃત્તિનું દર વર્ષે આયોજન કરવાનું જણાવી આવતા વર્ષ માટે તેઓએ 15000 રૂપિયાનો આર્થિક સહયોગ જાહેર કર્યો હતો. જેમાં મુકેશભાઈ તલાટીએ પણ રૂપિયા 5,000 જાહેર કર્યા હતાં.
સંસ્થાના પ્રમુખ સુરેશ પારેખે સ્વાગત કરતાં આગામી ગુરુવંદન છાત્ર અભિનંદન તથા ભારત કો જાનો સ્પર્ધાના કાર્યક્રમની માહિતી આપી હતી. ઉપપ્રમુખ ડો. અલ્પેશ રાવલે સૌ સભ્યોને શિસ્ત,નિયમિતતા અને સમયનું પાલન કરવા અનુરોધ કર્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સંસ્થાના બાલ મંદિરથી શરૂ કરીને ધોરણ 12 સુધીના તમામ વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં આભારવિધિ મંત્રી ગોપાલ ભટ્ટે, જ્યારે સંચાલન પૂર્વ પ્રમુખ ડો. જે. આર. ચૌહાણે કર્યું હતું. મહેમાનોનું ચંદન તિલકથી સ્વાગત કુમારી દેવાંશી અને કુમારી માનસીએ કર્યું હતું.સમગ્ર કાર્યક્રમની સફળતા માટે સંયોજક કિસ્મત પટેલ, સહસંયોજક શાંતિલાલ પ્રજાપતિ,દિનેશભાઈ પટેલ, દિપકભાઈ તલાટી, દિપકભાઈ શાહ, સંજય શાહ,હિતેશ પટેલ, નીતિન પટેલ, સિદ્ધાર્થ પટેલ,મહિલા સયોજિકા હેમલત્તા પટેલ, જિજ્ઞા રાવલ, જ્યોતિકાબહેન ચોક્સી, ધર્મિષ્ઠા ભટ્ટ, નયના પટેલ સહિત સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી.
રિપોર્ટ – સુરેશ પારેખ (કપડવંજ)