સમગ્ર ખેડા જિલ્લામાં છેલ્લા ચારેક દિવસથી વરસાદનું આગમન થયું હતું. જોકે કપડવંજ પંથકમાં માંડ રોડ ભીનો થાય તેવા સામાન્ય છાંટા પડયા હતાં. આ દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં જગ્યાએ વરસાદ પડ્યો હતો. આજે ચાલુ સીઝનનો સૌથી વધુ વરસાદ વરસ્યો હતો. આ પંથકમાં જમીન વિવિધ પ્રકારની છે. તેમાં કાળી ચીકની જમીનમાં ખેતી કરવામાં સમય સાચવવો ખૂબ મહત્વ હોય છે. કાળી ચીકની જમીનમાં વરસાદ આવ્યા પહેલા જ વાવણી કરી દેવી પડતી હોય છે. તે રીતે આ પંથકના મોટા ભાગના ખેડૂતોએ કપાસના મોંઘા બિયારણ વરસાદ પહેલા જ વાવી દીધા હતાં.
વાવાઝોડાના વાતાવરણ વચ્ચે પહેલો વરસાદ ખૂબ ઓછો પડ્યો હતો. પરંતુ બિયારણ ઊગી નિકળ્યૂં હતું. વરસાદ પૂરતો ન થતાં બિયારણ બચાવવા ખેડૂતો હાથવગા સાધનોથી પાણી આપવાની મથામણ કરી રહ્યા હતાં. એવા સંજોગોમાં મેહૂલો મન મૂકીને વરસી પડતાં આ વિસ્તારના ખેડૂતમાં ખુશીની લહેર સાથે પ્રકૃતિ પ્રત્યેનો વર્ષો જૂનો વિશ્વાસ ફરી મહોરી ઊઠ્યો છે.
કપડવંજ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર નરસિંહપુર, ઘડિયા પંથકમાં એક સાથે સાત ઇંચ જેટલો વરસાદ વરસતા સમગ્ર પંથકમાં પાણી પાણી થઈ ગયું હતું. ઘડિયા ગામમાં આજે બપોરના 12 વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી મારી હતી. અને બે કલાકમાં ભારે વરસાદ વરસ્યો હતો. ગામમાં આવેલું તળાવ પણ ભરાઈ ગયું હતું. વધુ વરસાદ વરસવાને પગલે ઘડિયા ગામમાં આવેલું સુપ્રસિદ્ધ વહાણવટી માતાજીના મંદિરનો દરવાજાથી લઈ બસ સ્ટેન્ડ તેમજ ઘડિયાથી નાની ઝેર ગામને જોડતા માર્ગ પર છાતીસમા પાણી ફરી વળ્યા હતાં. જેને પગલે લોકોને ખૂબ જ હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. આ માર્ગ પરથી પસાર થતા વાહન ચાલકોના વાહનો પાણીમાં બંધ થઈ ગયા હતાં. સ્થાનિકો દ્વારા ભારે મહેનત બાદ વાહનોને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતાં. આ વિસ્તારમાં પાણી ફરી વળતા પહેલી નજરે તો ગામમાંથી નદી પસાર થતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતાં. ગ્રામ્ય વિસ્તારમાં વધુ વરસાદ થયો હતો. પરંતુ શહેરમાં છેલ્લા 24 કલાકમાં માત્ર 21 મી.મી. જ વરસાદ નોંધાયો હતો.