જમ્મુ અને કાશ્મીરમાં ખરાબ હવામાનને કારણે અમરનાથ યાત્રાને આગામી આદેશ સુધી રોકી દેવામાં આવી છે. બેઝ કેમ્પ બાલતાલ અને પહેલગામ બંને રૂટ પર મુસાફરોને આગળ જતા અટકાવવામાં આવ્યા છે. યાત્રાના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ 84 હજારથી વધુ ભક્તોએ દર્શનનો લાભ લીધો છે.
J&K | Amarnath Yatra temporarily suspended due to bad weather pic.twitter.com/BPnTLb7eCV
— ANI (@ANI) July 7, 2023
શ્રદ્ધાળુઓની સંખ્યા એક લાખને પાર થઈ શકે
અમરનાથ યાત્રા માટે દેશ-વિદેશથી હજારો શ્રદ્ધાળુઓ જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે ત્યારે અમરનાથ યાત્રાનો વધુ એક સમૂહ બાબા બર્ફાનીના દર્શન કરવા માટે રવાના થયો હતો જો કે આ સમૂહને ખરાબ હવામાનને પગલે વચ્ચે જ રોકી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન ગઈકાલે 17202 શ્રદ્ધાળુઓએ બાબા બર્ફાનીના દર્શન કર્યા હતા જ્યારે યાત્રાના પ્રારંભથી અત્યાર સુધીમાં કુલ 84768 ભક્તોએ બાબા બર્ફાનીના દર્શનનો લાભ લીધો હતો. યાત્રા શરૂ થયા બાદ આગામી બે-ત્રણ દિવસમાં દર્શન કરવા આવનાર શ્રદ્ધાળુઓની સંખ્યા એક લાખને પાર થઈ શકે છે.
હવામાન સાફ થયા બાદ ફરીથી યાત્રા શરૂ થશે
હાલ ખરાબ હવામાનને કારણે કોઈ પણ યાત્રાળુને પવિત્ર ગુફા તરફ જવાની મંજૂરી આપવામાં આવી નથી. અમરનાથ શ્રાઈન બોર્ડના અધિકારીઓના જણાવ્યા અનુસાર હવામાન સાફ થયા બાદ જ યાત્રાળુઓને આગળની યાત્રા કરવાની મંજૂરી આપવામાં આવશે. યાત્રાળુઓને હાલમાં રામબનના ચંદ્રકોટ ખાતે રોકવામાં આવ્યા છે. અહીં ભક્તો માટે નાસ્તા વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. હવામાન અનુકૂળ થયા બાદ યાત્રાળુઓને ગુફા તરફ મોકલવામાં આવશે.