ધોનીએ 2020માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ હતુ. ધોની ભારતને 3 આઈસીસી ટ્રોફી જીતાડનાર એકમાત્ર કેપ્ટન છે. ધોનીની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ પહેલી ICC ટ્રોફી 2007 (ટી20 વર્લ્ડ કપ 2007)માં જીતી હતી. વર્તમાન સમયમાં ધોની આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સ તરફથી રમતા જોવા મળે છે. ધોનીએ પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરની શરૂઆત 2004માં બાંગ્લાદેશ સામે વન ડે મેચ દ્વારા કરી હતી. હવે તેઓ માત્ર આઈપીએલમાં રમે છે. આઈપીએલ 2023માં ધોનીએ પોતાની કેપ્ટનશિપમાં ચેન્નઈ સુપર કિંગ્સને જીતાડી હતી. ચેન્નઈ આઈપીએલમાં 5 મી વખત ચેમ્પિયન બની હતી.
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ધોનીના નામે ઘણા રેકોર્ડ નોંધાયા છે. અમુક એવા રેકોર્ડ છે જેને હજુ સુધી કોઈ તોડી શક્યુ નથી અને ધોની તેમાં નંબર વન છે.
ટેસ્ટમાં સૌથી વધુ 60 મેચમાં વિકેટકીપિંગ કરનાર કેપ્ટન
વનડેની એક ઈનિંગમાં સૌથી વધુ 6 બેટ્સમેનને આઉટ કર્યા.
વનડેમાં સૌથી વધુ 200 મેચમાં વિકેટકીપિંગ કરનાર કેપ્ટન.
વનડેની એક ઈનિંગમાં સૌથી વધુ 3 સ્ટંપિંગ.
વનડેમાં વિકેટકીપર તરીકે સૌથી મોટી 183* રનની ઈનિંગ.
ટી20 ઈન્ટરનેશનલની એક ઈનિંગમાં સૌથી વધુ 5 બેટ્સમેનને આઉટ કર્યા.
ટી20 ઈન્ટરનેશનલમાં સૌથી વધુ 72 મેચમાં વિકેટકીપિંગ કરનાર કેપ્ટન.
ટી20 ઈન્ટરનેશનલ કરિયરમાં સૌથી વધુ 34 સ્ટંપિંગ.
આંતરરાષ્ટ્રીય કરિયરમાં કેપ્ટન તરીકે 332 સૌથી વધુ મેચ.
આંતરરાષ્ટ્રીય કરિયરમાં સૌથી વધુ 195 સ્ટંપિંગ.
કેપ્ટન તરીકે આ છે આંકડા
ધોનીએ ટેસ્ટ વિકેટમાં ટીમ ઈન્ડિયા માટે કેપ્ટન તરીકે 60 મેચ રમી છે, જેમાં ટીમે 27માં જીત નોંધાવી અને 18 ગુમાવી. આ સિવાય વનડેમાં ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 200 મેચની કેપ્ટનશિપ કરી, જેમાં ભારતીય ટીમે 110 મેચ જીતી અને 74 ગુમાવી. ટી20 ઈન્ટરનેશનલમાં ધોની ટીમ ઈન્ડિયા માટે 72 મેચમાં કેપ્ટન તરીકે રમ્યા. જેમાં ટીમ 42 મેચમાં વિજયી રહી અને ટીમે 28 મેચ ગુમાવી.
આંતરરાષ્ટ્રીય કરિયર
ધોનીએ 2004થી લઈને 2019 સુધી પોતાના આંતરરાષ્ટ્રીય કરિયરમાં 90 ટેસ્ટ, 350 વનડે અને 98 ટી20 ઈન્ટરનેશનલ મેચ રમી. ટેસ્ટની 144 ઈનિંગમાં તેમણે 38.09 ની સરેરાશથી 4876 રન બનાવ્યા. આ સિવાય વનડેમાં તેમણે 50.57 ની સરેરાશથી 10773 રન જોડ્યા. ટી20 ઈન્ટરનેશનલમાં ધોનીએ 37.60ની સરેરાશ અને 126.13ની સ્ટ્રાઈક રેટથી 1617 રન બનાવ્યા. ધોનીએ આંતરરાષ્ટ્રીય કરિયરમાં કુલ 16 સદી અને 108 અડધી સદી ફટકારી.