કેવડિયા બચાઓ આંદોલન સમિતિના નેતા, ઈન્ડીજીનસ આર્મી ઓફ ઇન્ડિયાના પ્રમુખ, નાંદોદ વિધાનસભાના આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો.પ્રફુલ્લ વસાવાએ અરવિંદ કેજરીવાલને સંબોધીને આપેલા રાજીનામામાં ગંભીર આક્ષેપો લગાવી જણાવ્યું છે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી ગુજરાતના પ્રભારી રાજ્યસભાના સાંસદ સંદીપ પાઠકે UCC નું સૈદ્ધાંતિક સમર્થન કર્યું છે.કેન્દ્ર સરકાર દ્રારા 22 માં વિધિ આયોગના માધ્યમથી UCC લાગુ કરવાની યોજના આદીવાસીઓના હીતમાં નથી.
એક તરફ આમ આદમી પાર્ટી આદિવાસીઓના સંવિધાનિક અધિકાર અનુસૂચિ 5 અને 6 લાગુ કરવાની ગેરંટી આપે છે તો બીજી બાજુ UCC નું સૈદ્ધાંતિક સમર્થન કરે છે, જેથી હવે આદિવાસીઓના સંવિધાનિક અધિકાર સુરક્ષિત રહેશે કે નહિ એની કોઈ ગેરંટી નથી.
ડો.પ્રફુલ્લ વસાવાએ જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારની નાકામીને લીધે મણિપુરમા આદિવાસીઓનો નરસંહાર થઈ રહ્યો છે, જમ્મુ કાશ્મીરમાં 370 હટાવી લદાખ ક્ષેત્રના આદિવાસીઓના સંવિધાનિક અધિકારો ખત્મ કરી એમની જમીનો લુટાઈ રહી છે, દેશમાં ચૂંટણીઓ જીતવા ધાર્મિક કટ્ટરતા, જાતિવાદ અને નફરતની રાજનીતિ કરાઈ રહી છે. આ તમામનો પાર્ટીએ વિરોધ કરવો જોઈએ.ભુતકાળમાં સરકારે ચૂંટણી વખતે CAA- NCR બીલ લાવવાનુ નાટક કર્યું, હવે UCC બીલ લાવી ભાગલા પાડો અને રાજ કરો એવી રાજનીતી થઈ રહી છે.
એ જ બીલને સૈદ્ધાંતિક અથવા કોઈ પણ પ્રકારનું સમર્થન કરવું દેશ હિતમાં નથી.UCC આવવાથી આદીવાસી, એસ.સી, એસ.ટી, ઓબીસી અને લઘુમતી સમુદાયના સંવિધાનિક અધિકાર છીનવાઈ જશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા સંદીપ પાઠકે UCC કોડનું સૈદ્ધાંતિક સમર્થન આપ્યું છે જેનો હું વિરોધ કરું છું અને પાર્ટીમાં પ્રાથમિક સભ્ય પદ પરથી રાજીનામુ આપુ છું.UCC દેશ હિતમાં નથી એવું માનનારા તમામ મારા આદિવાસી તેમજ અન્ય સમાજના લોકો મારા આ નિર્ણયનું સમર્થન કરશે.
રિપોર્ટ- શૈશવ રાવ (રાજપીપળા)