મહારાષ્ટ્રના રાજકારણમાં થયેલી જબરજસ્તી ઉથલપાથલ વચ્ચે આગામી પહેલી ઓગસ્ટે લોકમાન્ય તિલકની ૧૦૩મી પૂણ્યતિથિ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને લોકમાન્ય તિલક પુરસ્કારથી નવાજવામાં આવશે. ખાસ વાત એ છે કે પુરસ્કાર પ્રધાન સમારોહમાં અતિથિ-વિશેષ તરીકે વિભાજીત થયેલી એનસીપીના વડા શરદ પવાર હાજર રહેશે. પુણે કોંગ્રેસે મોદીને આ એવોર્ડ એનાયત કરવા સામે વિરોધ નોંધાવ્યો છે. એટલું જ નહીં પુરસ્કાર આપનાર સંસ્થાના મૂળ કોંગ્રેસી હોદ્દેદાર સામે રાહુલ ગાંધીને ફરિયાદ પણ કરી છે.
મહારાષ્ટ્રની સાંસ્કૃતિક નગરી પુણેમાં યોજાનારા આ સમારોહમાં જુદી જુદી પાર્ટીના નેતાઓ અને એકબીજાના કટ્ટર વિરોધીઓનો શંભુ મેળો જોવા મળશે. મંચ પર મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાનો દેવેન્દ્ર ફડણવીસ અને અજીત પવાર તેમ જ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુશીલકુમાર શિંદે ઉપસ્થિત રહેશે.
તિલક સ્મારક ટ્રસ્ટના પ્રમુખ દીપક તિલકે અને ટ્રસ્ટી ડો. રોહિત તિલકે આજે પુણેમાં આ એવોર્ડની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ભારતને વૈશ્વિક તખ્તા પર માનભર્યું સ્થાન અપાવવા બદલ તેમ જ દેશને વિકાસના માર્ગે અગ્રેસર કરવામાં સિંહફાળો આવ્યા બદ્દલ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નામની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે. છેલ્લાં ૪૧ વર્ષથી તિલક સ્મારક ટ્રસ્ટ તરફથી આ એવોર્ડ અનેયાત કરવામાં આવે છે. આ અગાઉ આ પુરસ્કાર ઈન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, શરદ પવાર, રાહુલ બજાજ, સાયરસ પૂનાવાલા અને મનમોહન સિંહને એનાયત કરવામાં આવ્યો હતો.
પુણે કોંગ્રેસે વિરોધ દર્શાવતા કહ્યું હતું કે લોકમાન્ય બાલગંગાધર તિલક અને નરેન્દ્ર મોદીની વિચારધારા ક્યાં મેળ ખાય છે? કોંગ્રેસના પદાધિકારી રહી ચૂકેલા રોહિત તિલકને ફરિયાદ કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીને કરવામાં આવી છે. ડૉ. તિલક કોંગ્રેસના ઉમેદવાર તરીકે કસ્બા વિસ્તારમાંથી વિધાનસભાની ચૂંટણી પણ લડયા હતા. કોંગ્રેસે પુરસ્કાર માટે નરેન્દ્ર મોદીના નામી પસંદગી સાથે નારાજી દર્શાવતા વિવાદ વકરવાની શક્યતા છે.