તાપી જિલ્લાના અનેક તાલુકાઓમા ટ્રાઇબલ સબ પ્લાન્ટ (TSP )ની વિવિધ યોજનાઓ દ્વારા બોર કરી હેન્ડ પંપ, મોટર અને પાણીની ટાંકી મૂકવામાં આવે છે. પરંતુ આ યોજનાઓ થકી જાણે એજન્સી અને અધિકારીઓ માલામાલ થઈ રહ્યા છે જ્યારે પ્રજાને તો કોઈ ફાયદો નથી થઈ રહ્યો એવા દ્રશ્યો અને ફરિયાદો સામે આવી રહી છે.
હાલમાં જ ઉચ્છલ તાલુકામાં કરવામાં આવેલ 300 ફૂટના બોર થી સ્થાનિક લોકો નારાજ દેખાયા અને એમને ફરિયાદ પણ કરી. તાપી જિલ્લાના દરેક વિસ્તારમાં એક જેટલી ઊંડાઈએ પાણી નથી નીકળતું.ઉચ્છલ, નિઝર અને કુકરમુંડા તાલુકાઓ માં અનેક વિસ્તારોમા 450 થી 500 ફૂટનો બોર કરવામાં આવે તો જ પાણી નીકળે છે. ત્યારે ગત દિવસોમાં અનેક વિસ્તારોમાં માત્ર 300 ફૂટનો બોર કરવામાં આવ્યો હતો જેમાંથી એક પણ ટીપું પાણી નીકળ્યું નથી.
મળતી માહિતી મુજબ બે લાખ રૂપિયાના એસ્ટીમેન્ટમાં બોર કરી મોટર અને ટાંકી મૂકી આપવામાં આવે છે. પરંતુ સવાલ એ ઉભો થાય છે કે 300 ફૂટે પાણી નીકળતું જ નથી તો ટાંકી અને મોટર મૂકી ને કરવું શું? જે સ્થળ ઉપર નવો બોર કરવામાં આવ્યો તેની આસપાસ અને એની બાજુમાં જ એક બીજો બોર છે જે હાલ સુકાઈને પડ્યો છે. ત્યારે આ રીતે બોર કરી પબ્લિક ના પૈસાનું પાણી કરવું કેટલું યોગ્ય?
અહીં સવાલ એ ઊભા થાય છે કે શું અધિકારીઓને એટલી પણ ખબર નથી કે તેઓ કયા વિસ્તારમાં કેટલા ફૂટ બોર કરવા જોઈએ તે જાણી શકે? કે પછી અધિકારીઓ ઓફિસની બહાર નીકળતા જ નથી અને એજન્સીઓને માલામાલ કરવા અને પોતાના ખિસ્સાઓ ભરવા માટે સરકાર અને પબ્લિકના પૈસાનું પાણી કરવામાં આવી રહ્યું છે.
આદિવાસી વિસ્તારોમાં પીવાના પાણી પહોંચાડવાના નામે બોર કરી TSP કચેરી દ્વારા મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો હોય તેવા ચિત્રો સામે આવી રહ્યો છે ત્યારે આ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ થાય અને કસૂર વારો સામે પગલાં ભરાઈ તે જરૂરી બને છે.
આ સમગ્ર ભ્રષ્ટાચાર કાંડમાં કોણ કોણ સામેલ છે? અને એમની સામે શું પગલાં ભરાય છે ?? આ સમગ્રકાંડમાં ટી.એસ.પી કચેરી સોનગઢ શું કહે છે? તે હવે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું.