વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (ગુરુવારે) તેમની બે દિવસીય મુલાકાતે ફ્રાન્સ પહોંચશે. પીએમનો આ સમયગાળો ઘણી રીતે ખાસ રહેવાનો છે. આ દરમિયાન PM મોદી શુક્રવારે (14 જુલાઈ) પેરિસમાં યોજાનારી બેસ્ટિલ-ડે પરેડમાં વિશેષ અતિથિ તરીકે ભાગ લેશે. જ્યારે, પીએમની આ મુલાકાતમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે ઐતિહાસિક સંરક્ષણ સોદો પણ થવા જઈ રહ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ નરેન્દ્ર મોદી પેરિસમાં ભારતીય સમુદાયના લોકોને પણ સંબોધિત કરશે. પ્રાપ્ત માહિતી અનુસાર, આ બીજી વખત છે જ્યારે ફ્રાન્સે બેસ્ટિલ-ડે કાર્યક્રમમાં ભારતીય નેતાને ગેસ્ટ ઓફ ઓનર બનાવ્યા છે. વાસ્તવમાં બેસ્ટિલ ડે કાર્યક્રમ બાદ વડાપ્રધાન મોદી માટે ઔપચારિક સ્વાગત સમારોહ યોજાશે. જે બાદ પીએમ મોદી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન વચ્ચે દ્વિપક્ષીય વાતચીત થશે અને બંને દેશો વચ્ચે કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે.
બંને દેશો વચ્ચે કયા મુદ્દાઓ પર વાતચીત થશે?
સુરક્ષા, અવકાશ સહયોગ, નાગરિક પરમાણુ ક્ષેત્રમાં જોડાણ, તકનીકી ભાગીદારી, આતંકવાદ વિરોધી ભાગીદારી, સાયબર સુરક્ષા, આબોહવા પરિવર્તન, ઉર્જા, આંતરરાષ્ટ્રીય સૌર જોડાણ, બંને દેશોના ઉદ્યોગ અને વેપાર ક્ષેત્રો વચ્ચે સપ્લાય ચેઇન એકીકરણ જેવા મુદ્દાઓ પર બંને દેશના વડાઓ વચ્ચે દ્વિપક્ષીય વાટાઘાટો કરાશે.
ભારત અને ફ્રાન્સ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી
ભારત અને ફ્રાન્સ વચ્ચેના આર્થિક સંબંધો વ્યૂહાત્મક ભાગીદારીના મુખ્ય કેન્દ્રોમાંનું એક છે. આ માત્ર વેપાર, ઉદ્યોગ અને રોકાણ સહકારના પરંપરાગત ક્ષેત્રો સુધી વિસ્તરતું નથી, પરંતુ નવા અને ઉભરતા ડોમેન્સ પર પણ વધુને વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. આમાં સ્ટાર્ટઅપ પણ સામેલ છે. ઉદાહરણ તરીકે, વિવાટેકમાં ભારતની ખૂબ જ મજબૂત હાજરી છે. તમને જણાવી દઈએ કે ફ્રાન્સમાં ટેક્નોલોજી, ઈનોવેશન અને સ્ટાર્ટઅપ કંપનીઓની ભાગીદારી માટે આ એક મંચ છે.
બંને દેશો વચ્ચે ઘણા મહત્વપૂર્ણ કરારો
આ સિવાય બંને દેશો વચ્ચે ડિફેન્સ ડીલને લઈને ઘણા મહત્વપૂર્ણ કરાર થઈ શકે છે. આ સાથે જ બંને દેશો વચ્ચે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વધતા પ્રભાવને લઈને પણ વાતચીત થઈ શકે છે. આ સાથે રશિયા-યુક્રેન યુદ્ધ પણ વાતચીતનો મુદ્દો બની શકે છે. આ સાથે G20 સમિટને લઈને બંને દેશો વચ્ચે મહત્વપૂર્ણ વાતચીત થઈ શકે છે.
ભારત અને ફ્રાન્સ વચ્ચે મોટી ડીલ થશે
- મીડિયા રિપોર્ટ્સથી પ્રાપ્ત માહિતી અનુસાર, PM મોદીની ફ્રાંસ મુલાકાત દરમિયાન 26 રાફેલ એરક્રાફ્ટ અને ત્રણ સ્કોર્પિન સબમરીનની ખરીદી પર ડીલ થવાની છે.
- છેલ્લા 25 વર્ષમાં ભારતને વિવિધ પ્રકારના સંરક્ષણ ઉત્પાદનો વેચનાર ફ્રાન્સ બીજો સૌથી મોટો દેશ છે. આ પ્રવાસમાં રાફેલ વિમાનોને લઈને મોટી ડીલ થશે.
INS વિક્રાંતને ફાઈટર પ્લેનથી સજ્જ કરવાના સંદર્ભમાં આ ડીલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. રાફેલનું એમ વર્ઝન એકદમ એડવાન્સ છે. તેમાં INS પરથી ઉડવા માટે વધુ શક્તિશાળી એન્જિન છે. - આ પ્રવાસમાં નેવી માટે રાફેલ એમ સાથે 3 સ્કોર્પિન ક્લાસ સબમરીન ખરીદવાનો સોદો પણ થઈ શકે છે. આ ડીલ 90 હજાર કરોડ રૂપિયાની હોઈ શકે છે.