દિલ્હી, હરિયાણા, હિમાચલ, પંજાબ સહિતના રાજ્યો હાલ પૂર, ભુસ્ખલન અને ભારે વરસાદનો સામનો કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ ઉત્તર ભારતમાં રાહત મળવાના કોઈ અણસાર દેખાતા નથી. હવામાન વિભાગે આગામી ચારથી પાંચ દિવસમાં ભારે વરસાદ પડવાનું એલર્ટ જાહેર કર્યું છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવાની સાથે પૂરના ખતરાની પણ શક્યતા વ્યક્ત કરાઈ છે.
સિક્કિમ, ઉત્તર બંગાળમાં રેડ એલર્ટ, 7 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે સિક્કિમ અને ઉત્તર બંગાળમાં વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે કહ્યું છે કે આગામી 24 કલાકમાં વરસાદને કારણે કેટલાક ભાગોમાં પૂરની સંભાવના છે. સરકારે તેના અધિકારીઓને પણ સતર્ક રહેવા જણાવ્યું છે.
આ રાજ્યોમાં યલો એલર્ટ
IMDએ સૌરાષ્ટ્ર, કચ્છ (ગુજરાત), મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, પૂર્વ રાજસ્થાન, દક્ષિણ બંગાળ, કોસ્ટલ કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને આંધ્રપ્રદેશમાં વરસાદ માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.
ગુજરાત સહિત 23 રાજ્યોમાં અતિભારેથી ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને બિહારમાં અતિ ભારે વરસાદ પડી શકે છે. તો સિક્કિમ અને ઉત્તર બંગાળ માટે રેડ એલર્ટ અપાયું છે, જ્યારે ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ મધ્ય પ્રદેશ, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશમાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. યલ્લો એલર્ટમાં સૌરાષ્ટ્ર – ગુજરાત, કચ્છ – ગુજરાત, દિલ્હી, મહારાષ્ટ્ર, ઝારખંડ, ઓડિશા, પૂર્વી રાજસ્થાન, દક્ષિણ બંગાળ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, આંધ્ર પ્રદેશનો સમાવેશ થાય છે.
ગુજરાતમાં 15 અને 16 જુલાઈએ ભારે વરસાદની આગાહી
મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં 14-16 જુલાઈ દરમિયાન અલગ-અલગ ભારે વરસાદ થવાની સંભાવના છે, જ્યારે ગુજરાતમાં 15 અને 16 જુલાઈના રોજ સમાન હવામાનની સ્થિતિ નોંધાશે. ઉત્તર પશ્ચિમ ભારતમાં વરસાદ ઓછો થવાની ધારણા છે, પરંતુ ગંગાના મેદાનોમાં આગામી 5 દિવસ સુધી વરસાદ પડી શકે છે.