ફ્રાન્સ સાથે સંરક્ષણ સહયોગ અમારા સંબંધોનો મૂળભૂત આધાર છે. તે બંને દેશો વચ્ચે ઘેરા પારસ્પરિક વિશ્વાસનું પ્રતીક છે. મેક ઈન ઈન્ડિયા અને આત્મનિર્ભર ભારતમાં ફ્રાન્સ મહત્વનું ભાગીદાર છે. અમે ઈચ્છીએ છીએ કે સબમરીન હોય કે નૌકાદળના જહાજ, અમે સાથે મળીને માત્ર અમારા માટે જ નહીં પરંતુ મિત્ર દેશો માટે પણ હથિયારો બનાવીશું તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈંક્રો સાથે દ્વિપક્ષીય બેઠક પછી સંયુક્ત પત્રકાર વરિષદમાં કહ્યું હતું. આ સાથે પીએમ નરેન્દ્ર મોદીને પ્રમુખ ઈમેન્યુઅલ મૈંક્રોના હસ્તે ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધી લીજીયન ઓફ ઓનર’ એનાયત કરાયું હતું.
પીએમ મોદીને પ્રમુખ મૈંક્રોના હસ્તે ફ્રાન્સનું સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધી લીજીયન ઓફ ઓનર’ એનાયત કરાયું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને ફ્રાન્સ તેમની રણનીતિક ભાગીદારીના ૨૫ વર્ષ પૂરા થવાની ઊજવણી કરી રહ્યા છે. અમે ઈન્ડો-પેસિફિક કો-ઓપરેશન રોડમેપ પર કામ કરી રહ્યા છીએ. ઈન્ડો-પેસિફિકની નિવાસી શક્તિઓના રૂપમાં ભારત અને ફ્રાન્સ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા માટે વિશેષરૂપે જવાબદાર છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ફ્રાન્સમાં ભારતીય પ્રવાસીઓ હવે રૂપિયામાં ચૂકવણી કરી શકશે. તેઓ ભારતનું યુપીઆઈ હોય કે અન્ય કોઈ ડિજિટલ પ્લેટફોર્મ તેનો ઉપયોગ કરી શકશે. તેનાથી દેશમાં મોટું પરિવર્તન આવ્યું છે અને મને આનંદ છે કે ભારત અને ફ્રાન્સ આ દિશામાં સાથે મળીને કામ કરી રહ્યા છે. આગામી દિવસોમાં એફિલ ટાવરથી તેની શરૂઆત કરાશે. તેનો અર્થ એ છે કે ભારતીય પ્રવાસીઓ હવે એફિલ ટાવર પર યુપીઆઈના માધ્યમથી રૂપિયામાં ચૂકવણી કરી શકશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસના લા સીન મ્યુઝિકલમાં ભારતીય સમુદાયને સંબોધન કરતા જણાવ્યું હતું.
પીએમ મોદીએ જાહેરાત કરી કે જે ભારતીય વિદ્યાર્થીઓ ફ્રાન્સમાં માસ્ટર ડિગ્રી મેળવી રહ્યા છે તેમને હવે અભ્યાસ પછી પાંચ વર્ષ જેટલા લાંબા સમયના વિઝા મળી શકશે. પહેલા ભારતીય વિદ્યાર્થીઓને બે વર્ષના વર્ક વિઝા અપાતા હતા.
દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફ્રાંસના સર્વોચ્ચ સન્માન ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધી લીજીયન ઓફ ઓનર’થી નવાજવામાં આવ્યા છે. આ સન્માન ફ્રાંસનાં સૈન્ય અને સિવિલ બંને ક્ષેત્રોમાં અપાતું સર્વોચ્ચ સન્માન છે. મોદી ભારતના પહેલા વડાપ્રધાન છે કે જેઓને આ સન્માન આપવામાં આવ્યું છે. પીએમ મોદી પહેલાં દક્ષિણ આફ્રિકાના પૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલા, જર્મનીનાં પૂર્વ ચાન્સેલર એન્જેલા માર્કેલ, યુનોના પૂર્વ મહામંત્રી ઓફ્રોસા ધાબીને પણ ‘ગ્રાન્ડ ક્રોસ ઓફ ધી લીજીયન ઓફ ઓનર’થી સન્માનિત કરાયા છે. જે નેતાઓ દેશ-વિદેશમાં અસાધારણતઃ લોકપ્રિય હોય અને શક્તિશાળી પણ હોય તેઓને આ સન્માન અપાય છે.
વડાપ્રધાન મોદીએ શુક્રવારે પેરિસના ચેપ્સ-એલિસીસમાં બેસ્ટિલ ડે પરેડમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી હતી. અહીં પ્રમુખ મૈંક્રોએ પીએમ મોદીનું ઉષ્માભેર સ્વાગત કર્યું હતું. આ પરેડમાં ભારતીય સૈન્યની પંજાબ રેજિમેન્ટે કેપ્ટન અમન જગતાપના નેતૃત્વમાં માર્ચ કર્યું હતું. ભારતીય સૈન્યની ત્રણેય પાંખે આ માર્ચ પાસ્ટમાં ભાગ લીધો હતો.
ફ્રાન્સના પ્રમુખ ઈમેન્યુઅલ મૈંક્રોએ હિન્દીમાં ટ્વીટ કરી હતી કે, વિશ્વ ઈતિહાસમાં એક વિશાળકાય, ભવિષ્ય માટે નિર્ણાયક ભૂમિકા નીભાવનાર દેશ, રણનીતિક ભાગીદાર, મિત્ર. આ વર્ષની ૧૪ જુલાઈની પરેડ માટે ભારતનું સન્માનિત અતિથિના રૂપમાં સ્વાગત છે. પીએમ મોદીએ મૈક્રોંને રીટ્વીટ કરતા કહ્યું, ભારત તેના સદીઓ જૂના લોકાચારથી પ્રેરિત થઈ, આપણા ગ્રહને શાંતિપૂર્ણ, સમૃદ્ધ અને ટકાઉ બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા કટિબદ્ધ છે. ૧.૪ અબજ ભારતીય એક મજબૂત અને વિશ્વસનીય ભાગીદાર હોવા માટે ફ્રાસના હંમેશા આભારી રહેશે.