કેદારનાથ મંદિરમાં હવે મોબાઈલ ફોનથી ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂકી દેવાયો છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિ (BKTC)તરફથી આ મામલે ધામમાં વિવિધ સ્થળોએ સાઈન બોર્ડ પણ લગાવવામાં આવ્યા છે. બદ્રીનાથ-કેદારનાથ મંદિર સમિતિના પ્રમુખ અજેન્દ્ર અજયે જણાવ્યું કે, જો કોઈ ભક્ત કેદારનાથ મંદિરની અંદર ફોટો ખેંચશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
રીલ બનાવવાનો ટ્રેન્ડ ચાલ્યો
તમને જણાવી દઈએ કે કેદારનાથ મંદિરમાં આવતા ઘણા ભક્તો રીલ બનાવીને સોશિયલ મીડિયા પર વાયરલ કરી રહ્યા છે. જેના કારણે ધાર્મિક ભાવનાઓને પણ ઠેસ પહોંચી રહી છે. હાલમાં જ કેદારનાથ ધામના ગર્ભ ગૃહમાં એક મહિલાનો નોટો વરસાવતો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
પોલીસને પત્ર લખી કાર્યવાહી કરવા નિર્દેશ
BKTCએ પોલીસને એક પત્ર પણ લખીને મંદિર પરિસરમાં તકેદારી રાખવા અને વિડિયો વાયરલ કરનારાઓ સામે પગલાં લેવા જણાવ્યું હતું. BKTCના ચેરમેને કહ્યું કે ધામમાં હજુ સુધી ક્લોક રૂમની વ્યવસ્થા નથી. ભક્તો મોબાઈલ ફોન લઈને દર્શન કરી શકશે. પરંતુ મંદિરની અંદર ફોટા અને વિડીયો લઈ શકશે નહીં, તેના પર પ્રતિબંધ છે. જો કોઈ ભક્ત આદેશનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.