વિરાટ કોહલીએ કારકિર્દીની 500મી આંતરરાષ્ટ્રીય મેચમાં શાનદાર રમતનું પ્રદર્શન કર્યું છે. કોહલીએ પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ રહેલી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે અણનમ 87 રન બનાવ્યા છે. કોહલીની શાનદાર ઈનિંગથી ભારતે પ્રથમ દિવસની રમતના અંતે ચાર વિકેટ ગુમાવીને 288 રન બનાવ્યા હતા.
કોહલી અને જાડેજા વચ્ચે શાનદાર ભાગીદારી
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે બે મેચોની ટેસ્ટ સીરીઝની છેલ્લી મેચ પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાઈ રહી છે જેમા પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતે પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટ ગુમાવીને 288 રન કર્યા હતા. દિવસના અંતે વિરાટ કોહલી 87 અને રવિન્દ્ર જાડેજા 36 રન બનાવી અણનમ રહ્યા હતા. આ સાથે જ કોહલી આંતરરાષ્ટ્રીય કારકિર્દીની 76મી સદીથી માત્ર 13 રન જ દૂર છે. કોહલીએ તેની ઈનિંગ દરમિયાન આઠ ચોગ્ગા માર્યા હતા જ્યારે રવિન્દ્ર જાડેજાએ ચાર ચોગ્ગા ફટકાર્યા હતા. જાડેજા અને કોહલી વચ્ચે પાંચમી વિકેટ માટે 201 બોલમાં 106 રનની ભાગીદારી થઈ છે. કોહલી પહેલા કેપ્ટન રોહિત શર્માએ 80 અને યુવા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ 57 રનની શાનદાર ઈનિંગ રમી હતી. ક્રિકેટ ચાહકો અને ખાસ કરીને કોહલીના ફેન્સને ટેસ્ટના બીજા દિવસે કોહલી પાસે સદીની આશા રહેશે.
વિરાટ કોહલીએ બનાવ્યા રેકોર્ડ
વિરાટ કોહલીના કરિયરની આ 500મી મેચ છે જેમા તેને શાનદાર ઈનિંગ રમીને યાદગાર બનાવી છે. કોહલી એવો પહેલો બેસ્ટમેન બન્યો છે જેણે 500મી ઈન્ટરનેશનલ મેચમાં 50 કે તેથી વધુનો સ્કોર કર્યો હોય. આ સિવાય કોહલીએ દક્ષિણ આફ્રિકાના જેક્સ કાલિસને પાછળ છોડીને સૌથી વધુ આંતરરાષ્ટ્રીય રન બનાવનારા ખેલાડીઓમાં પાંચમા ક્રમે આવી ગયો છે. વિરાટે આ ઈનિંગ દરમિયાન વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પણ 2000 રન પણ પૂરા કર્યા હતા. વિરાટ ઉપરાંત રોહિત શર્મા જ ભારતીય બેટ્સમેનોમાં આવું કરી શક્યા છે. આ ઉપરાંત વિરાટ આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન પણ બન્યો હતો.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન
સચિન તેંડુલકર (ભારત) – 34357
કુમાર સંગાકારા (શ્રીલંકા) – 28016
રિકી પોન્ટિંગ (ઓસ્ટ્રેલિયા) – 27483
મહેલા જયવર્દને (શ્રીલંકા) – 25957
વિરાટ કોહલી (ભારત) – 25548
ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન (નંબર-ફોર)
સચિન તેંડુલકર (ભારત) – 13492
મહેલા જયવર્દને (શ્રીલંકા) – 9509
જેક કાલિસ (દક્ષિણ આફ્રિકા) – 9033
બ્રાયન લારા (વેસ્ટ ઇન્ડીઝ) – 7535
વિરાટ કોહલી (ભારત) – 7097
યશસ્વી-રોહિતે રેકોર્ડબ્રેક ભાગીદારી કરી
વેસ્ટ ઈન્ડીઝના કેપ્ટન ક્રેગ બ્રેથવેટે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. તેનો આ નિર્ણય વેસ્ટ ઈન્ડીઝની ટીમ માટે ઘાતક સાબિત થયો હતો. વેસ્ટ ઈન્ડિઝના બોલરોએ શોર્ટ બોલ ફેંક્યા હતા, પણ રોહિત અને યશસ્વીએ તેનો આસાનીથી સામનો કર્યો હતો. રોહિત અને યશસ્વીએ 139 રનની શાનદાર ભાગીદારી કરી હતી, જે પોર્ટ ઓફ સ્પેનના મેદાન પર ભારતીય જોડી માટે શ્રેષ્ઠ ઓપનિંગ ભાગીદારી છે.