શ્રીલંકાના આર્થિક ઝંઝાવાતને એક વર્ષ પૂરું થયું છે. એક વર્ષ પહેલા શ્રીલંકામાં જે દ્રશ્યો સર્જાયા હતા એ હજુ લોકોની નજર સામેથી હટ્યા નથી. સરકાર સામે ઉશ્કેરાયેલા લોકો રાષ્ટ્રપતિ ભવન અને વડાપ્રધાનના નિવાસ સ્થાનમાં ઘૂસી ગયા હતા. સરકારનું પતન થયું હતું. રાષ્ટ્રપતિ ગોતાબાયા રાજપક્સેએ દેશ છોડીને ભાગી જવું પડ્યું હતું. આખા દેશમાં જે રીતે લોકો રોડ પર ઉતરી આવ્યા હતા એ જોઇને એવો સવાલ ઉઠતો હતો કે, આ દેશનું હવે શું થથે? રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના રાષ્ટ્રપતિ બન્યા હતા અને તેમણે ધીમે ધીમે દેશની ગાડી પાછી પાટે ચડાવવાના પ્રયાસો શરૂ કર્યા હતા.
એક વર્ષ દરમિયાન શ્રીલંકાના સ્થિતિમાં સારો એવો સુધારો થયો છે. શ્રીલંકાની સ્થિતિ સુધારવામાં ભારત પહેલેથી અગ્રેસર રહ્યું છે.શ્રીલંકાએ આર્થિક દેવાળું ફૂંકવું ન પડે એ માટે પણ ભારતે પોતાનાથી થાય એટલા પ્રયાસો કર્યા હતા. શ્રીલંકાની સ્થિતિ એટલી નાજુક થઇ ગઇ હતી કે, તેને કોઇ બચાવી શકે એમ નહોતું.આપણા દેશે શ્રીલંકાને ઓઇલ અને અનાજ સહિત જીવન જરૂરિયાતની ચીજો જરાયે મોડું કર્યા વગર મોકલી આપી હતી. ભારતે ચાર બિલિયન ડોલરની મદદ કરી હતી. ભારતની મદદ ઉપરાંત ઇન્ટરનેશનલ મોનિટરી ફંડના 2.9 અબજ ડોલરના રાહત પેકેજ આપ્યું હતું.શ્રીલંકામાં સર્જાયેલી અસ્થિરતા બાદ પહેલી વખત શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે ભારતની બે દિવસની મુલાકાતે આવ્યા છે.
શુક્રવારે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક કરી. ભારત શ્રીલંકામાં અનેક પ્રોજેક્ટો પર કામ કરી રહ્યું છે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ વિક્રમસિંઘે સહિત તમામ નેતાઓ ભારતના સાથ બદલ પહેલેથી ભારતનો આભાર માનતા આવ્યા છે, આ વખતે પણ તેમણે કહ્યું કે, ભારત સાચા મિત્ર તરીકે શ્રીલંકાની પડખે ઊભું રહ્યું છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ભારત અને શ્રીલંકાના સંબંધો પ્રાચીન કાળથી છે. આ સંબંધો વધુ ગાઢ થઇ રહ્યા છે.
ભારત અને શ્રીલંકા રાજનૈતિક સંબંધોના 75 વર્ષની ઉજવણી કરી રહ્યા છે. આપણો દેશ તારીખ 15મી ઓગસ્ટ, 1947ના રોજ આઝાદ થયો હતો. ભારતની જેમ શ્રીલંકામાં પણ અંગ્રેજોએ કબજો જમાવી રાખ્યો હતો. ભારતની આઝાદી બાદ છ મહિનામાં પછી એટલે કે તારીખ 4 ફેબ્રુઆરી, 1948ના રોજ શ્રીલંકાને આઝાદી મળી હતી. એ સમયથી ભારત અને શ્રીલંકા વચ્ચે સારા સંબંધો રહ્યા છે.
શ્રીલંકાની સ્થિતિ પહેલા ઘણી સારી હતી. શ્રીલંકાનું આર્થિક પતન થયું એની પાછળ ઘણા કારણો જવાબદાર છે પણ સૌથી મોટું કારણ ચીન છે. ચીને શ્રીલંકાને ભારતથી દૂર કરવા માટે જાતજાતની લાલચો આપી હતી. શ્રીલંકા પણ ચીનની વાતોમાં આવી ગયું હતું. ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દેવાના નામે ચીને શ્રીલંકાને પોતાની ડેબ્ટ ટ્રેપમાં બરાબરનું ફસાવી દીધું હતું. શ્રીલંકા ચીનનું દેવું ચૂકવી શક્યું નહીં એટલે તેણે ચીનનું હંબનટોટા બંદર, જમીનો સહિત ઘણું બધું લખાવી લીધું હતું. શ્રીલંકાનું હંબનટોટા બંદર 2017થી ચીનના કબજામાં છે. આ બંદર ચીને નવ્વાણું વર્ષના પટ્ટે લખાવી લીધું છે.
શ્રીલંકાને ચીનની ચાલ સમજાઇ ત્યાં સુધીમાં બહુ મોડું થઇ ગયું હતું. ચીને જેવું માલદીવમાં કર્યું હતું, એવું જ શ્રીલંકા સાથે કર્યું. ચીનની દાનત તો એવી હતી કે, શ્રીલંકાની હાલત તદ્દન ખરાબ થઇ જાય અને ચીન અમારા શરણે આવી જાય. સારી વાત એ થઇ કે, શ્રીલંકા સમયસર સમજી ગયું અને તેણે ચીનથી સેઇફ ડિસ્ટન્સ રાખવાનું શરૂ કરી દીધું.
ભારત આવેલા શ્રીલંકાના રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે આપણા રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ અને ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળ્યા હતા. ભારત શ્રીલંકાના કોલંબો બંદર સહિત અનેક પ્રોજેક્ટો પર સાથે કામ કરવાનું છે. સૌથી મહત્ત્વની વાત એ પણ છે કે, શ્રીલંકાએ ભારતીય રૂપિયાનો કોમન કરન્સી તરીકે સ્વીકાર કર્યો છે.
દુનિયાના અનેક દેશોમાં હવે રૂપિયામાં પેમેન્ટ કરી શકાય છે. ભારત આવતા પહેલા જ શ્રીલંકાના કોલંબોમાં ઇન્ડિયન સીઇઓ ફોરમને સંબોધન કરતી વખતે જ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે કહ્યું હતું કે, શ્રીલંકા ભારતીય રૂપિયાનો ઉપયોગ વધારવા ઇચ્છી રહ્યું છે. શ્રીલંકાનું ત્રિનકોમાલી પોર્ટ પણ ભારત વિકસાવવાનું છે. શ્રીલંકાની ઇકોનોમીનો મોટો આધાર ટૂરિઝમ પર છે.
પહેલા કોરોના અને પછી આર્થિક સંકટના કારણે શ્રીલંકાની ટૂરિઝમ ઇન્ડસ્ટ્રી ઠપ્પ થઇ ગઇ હતી. શ્રીલંકા ફરવા આવનારાઓમાં સૌથી વધુ સંખ્યા રશિયા, યૂક્રેન અને ભારતના પ્રવાસીઓની હતી. રશિયા અને યૂક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયું ત્યારથી ત્યાંના પ્રવાસીઓ શ્રીલંકા આવતા બંધ થઇ ગયા છે. ભારતીય ટૂરિસ્ટોએ ફરીથી શ્રીલંકા ફરવા જવાનું શરૂ કર્યું છે.
આપણા દેશના વધુ પ્રવાસીઓને આકર્ષવા માટે પણ શ્રીલંકા પ્રયાસ કરી રહ્યું છે. ભારતીય ફિલ્મો અને વેબ સીરિઝોનું શૂટિંગ શ્રીલંકામાં થાય એ માટે પણ શ્રીલંકા અનેક સુવિધાઓ ઓફર કરી રહ્યું છે. શ્રીલંકાને ખબર છે કે, જો વહેલી તકે દેશને ફરીથી ઊભો કરવો હશે તો ભારત સાથેના સંબંધ છે એના કરતા વધુ ગાઢ કરવો પડશે.
શ્રીલંકા ભારતને જે રીતે ઇમ્પોર્ટન્સ આપી રહ્યું છે એ જોઇને ચીનના પેટમાં તેલ રેડાય છે. ચીન આજની તારીખે શ્રીલંકાને પરેશાન કરવાના પ્રયાસ કરી રહ્યું છે. ચીન અત્યારે પણ શ્રીલંકામાં અનેક પ્રોજેક્ટો પર કામ કરી રહ્યું છે. ચીને શ્રીલંકામાં પ્રોજેક્ટો મેળવતી વખતે એવી ખાત્રી આપી હતી કે, અમે શ્રીલંકાના સ્થાનિક લોકોને રોજગારી આપીશું. પ્રોજેક્ટ શરૂ થયા પછી ચીને પોતાના દેશમાંથી લોકોને લાવીને કામે લગાડી દીધા હતા. શ્રીલંકાના લોકોને ઠેંગો દેખાડી દીધો હતો. આ કારણે શ્રીલંકામાં ચીનના કારીગરો અને સ્થાનિક લોકો વચ્ચે અથડામણ થવાની ઘટનાઓ પણ બની છે. આપણો દેશ નેઇબરહૂડ ફર્સ્ટ પોલિસી હેઠળ પડોશી દેશોને સૌથી વધુ મહત્ત્વ આપે છે.
ભારત તો વસુધૈવ કુટુમ્બકમ મુજબ સમગ્ર વિશ્વને એક પરિવાર જ સમજે છે, તેમાં પણ પડોશીઓને સાથે સૌથી સારા સંબંધો ઇચ્છે છે. આપણે તો ચીન સાથે પણ સારા સંબંધો જ હતા પરંતુ ચીનની વાયડાઇના કારણે સંબંધો બગડ્યા છે. શ્રીલંકા ઉપરાતં નેપાળ, ભૂટાન સહિતના દેશો સાથે ભારતના સંબંધો સારા જ રહ્યા છે. ચીન આપણા પડોશી દેશો સાથે મળીને ચાલાકી કરતું રહે છે.
મ્યાનમારના લશ્કરી શાસનને ચીનનો પૂરેપૂરો સાથ છે. પાકિસ્તાન તો ચીનના ખોળે જ બેસેલું છે. હવે ચીન ઓળખાઇ ગયું છે એટલે દુનિયાના દેશો ચીનથી દૂર થઇ રહ્યા છે અને ભારતની નજીક આવતા જાય છે. શ્રીલંકા સાર્ક અને બિમ્સટેક સહિતના સંગઠનોમાં ભારતની સાથે છે. રાષ્ટ્રપતિ વિક્રમસિંઘની આ વખતની ભારત મુલાકાત વખતે પણ ભારતે ખાત્રી આપી છે કે, તમારી દરેક સમસ્યાના સમાધાન માટે અમે તમારી સાથે છીએ.
ભારત સાથેના સારા સંબંધોના કારણે જ અમેરિકા અને બીજા સાથી દેશોની શ્રીલંકા પર મીઠી નજર રહે છે. શ્રીલંકાની સ્થિતિ સુધરી રહી છે એમ એમ ભારત સાથેના તેના સંબંધો પણ વધુ સુદ્રઢ બની રહ્યા છે.