છેલ્લા ઘણા દિવસથી ઉત્તર પ્રદેશને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા મોટી રણનીતિ બનાવાઈ રહી છે. આ રણનીતિ હેઠળ સૌથી મોટો મુદ્દો વિપક્ષી નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવાનો પણ છે. આ અભિયાનને સફળ બનાવવા કેન્દ્રથી લઈને ભાજપના દિગ્ગજ નેતાઓએ કામ પણ શરૂ કરી દીધું છે. ભાજપે પોતાની નક્કી કરેલી યોજના મુજબ ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીની વિચારધારાને માનનારા પ્રદેશના તમામ મુખ્ય વિપક્ષી પાર્ટીઓના નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરવા મહાઅભિયાન શરૂ કરવાની તૈયારીઓ કરી રહ્યું છે. ઉત્તર પ્રદેશ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ભુપેન્દ્ર સિંહ ચૌધરીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વિવિધ પક્ષો સાથે જોડાયેલા નેતાઓ ટુંક સમયમાં તેમની સાથે જોડાવાના છે.
ભાજપની ટીમમાં સામેલ થયા સપા, બસપા, રાલોદ, કોંગ્રેસના નેતાઓ
આ જ ક્રમમાં ભાજપે સમાજવાદી પાર્ટીથી લઈને બહુજન સમાજ પાર્ટી અને ઉત્તર પ્રદેશની અન્ય સ્થાનિક પાર્ટીઓના નેતાઓ સહિત શુભાસપા જેવી પાર્ટીને પોતાની ટીમમાં સામેલ કરી દીધું છે. જ્યારે સોમવારે બસપાના પૂર્વ રાજ્યસભા સભ્ય રાજપાલ સૈની, સપા સરકારમાં મંત્રી રહેલા સાહબ સિંહ સૈની તેમજ જગદીશ સોનકર, પૂર્વ ધારાસભ્ય સુષમા પટેલ, અંશુલ વર્મા સહિત સમાજવાદી પાર્ટી, બહુજમ સમાજ પાર્ટી, રાલોદ તેમજ કોંગ્રેસના નેતાઓને પોતાની ટીમમાં સામેલ કરી દીધા છે.
આગામી સમયમાં ધીરે ધીરે ઘણા લોકો અમારા પક્ષમાં જોડાશે : યુપી ભાજપ અધ્યક્ષ
ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ભુપેન્દ્ર સિંહ ચૌધરીએ કહ્યું કે, હાલ અમારી ટીમમાં માત્ર કેટલાક લોકો જ જોડાયા છે. આગામી સમયમાં ધીરે ધીરે ઘણા લોકો અમારા પક્ષમાં જોડાશે. તેમણે કહ્યું કે, તેમના પક્ષમાં સામેલ થવા માટે ભારતીય જનતા પાર્ટીની વિચારધારા હોવી જરૂરી છે. આ જ કારણે ઉત્તર પ્રદેશના ઘણા મુખ્ય નેતાઓ તેમના સંપર્કમાં છે. ભાજપ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, મિશન દોસ્તી અભિયાન હેઠળ દર મહિને મોટી સંખ્યામાં નેતાઓને પોતાના પક્ષમાં સામેલ કરીને સંગઠનને આગળ વધારાશે. પાર્ટીના નેતાઓના જણાવ્યા મુજબ ટુંક સમયમાં સપા, બસપા, કોંગ્રેસના મોટા નેતાઓ તેમની ટીમમાં જોડાશે.