અયોધ્યામાં બની રહેલા ભગવાન રામ મંદિરના ઉદઘાટનની તારીખો પર અટકળો યથાવત્ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22થી 24 જાન્યુઆરી વચ્ચે કોઈક તિથિ પર મંદિરનું ઉદઘાટન કરશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, જોકે તિથિ પર અંતિમ નિર્ણય વડાપ્રધાન કાર્યાલય દ્વારા લેવાશે. આ કાર્યક્રમમાં કેટલાક લોકોને ભાગ લેવાનો મોકો મળશે, તેનું આંકલન કરવામાં આવી રહ્યું છે. રામ મંદિર ટ્રસ્ટના અંદાજ મુજબ મર્યાદિત જગ્યાની ઉપલબ્ધતાના કારણે આ ઐતિહાસિક અવસરે ઉદઘાટન કાર્યક્રમમાં માત્ર એક લાખ લોકોને જ ભાગ લેવાનો મોકો મળશે.
જો વધુ મહેમાનો આવશે તો.
શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ સૂત્રોના જણાવ્યા અનુસાર મંદિરના ગર્ભગૃહની આસપાસ લગભગ 70 એકર જમીન ઉપલબ્ધ રહેશે અને અહીં મહેમાનોને બેસાડવામાં આવશે. મંદિરના પરિસરમાં લગભગ 5000 ખુરશીઓ મુકાશે, તેનાથી વધુ મહેમાનો આવશે તો તેમને મુખ્ય પરિસરના દૂરથી જ ઉદઘાટન કાર્યક્રમમાં સામેલ થવાનો મોકો મળશે.
ઉદઘાટન કાર્યક્રમમાં 4થી 5 લોકો આવવાની સંભાવના
ટ્રસ્ટના લોકોનો અંદાજ છે કે, આ ઐતિહાસિક અવસરમાં સામેલ થવા મોટી સંખ્યામાં લોકો અયોધ્યા આવવાનો પ્રયાસ કરી શકે છે. આ સંખ્યા 4થી 5 લાખ સુધીની હોઈ શકે છે. જોકે અયોધ્યામાં મર્યાદિત સુવિધા ઉપલબ્ધ હોવાના કારણે આટલા બધા લોકોને સંભાળવામાં મુશ્કેલી સર્જાઈ શકે છે. આવી સ્થિતિમાં આસપાસના લોકોને મંદિરના ઉદઘાટન પ્રસંગ બાદ મંદિરના દર્શન કરવા આવવા વિનંતી કરવામાં આવી છે.
દેશભરના મોટા મંદિરોમાં યોજાશે પૂજા-પાઠ
રામ મંદિરના ઉદઘાટનના દિવસે દેશભરના તમામ મોટા મંદિરોમાં કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. અયોધ્યામાં મંદિરના ઉદઘાટન સમયે આ મંદિરોમાં પૂજા-પાઠ અને પ્રસાદ વિતરણ કાર્યક્રમની તૈયારી છે. ટ્રસ્ટનો અંદાજ છે કે, લાઈવ પ્રસારણ અને દેશભરના મંદિરોમાં કાર્યક્રમો યોજવાથી અયોધ્યામાં યોજાનાર ઉદઘાટન કાર્યક્રમ પહોંચનારા ભક્તોની સંખ્યાને મર્યાદિત કરવામાં પણ મદદ મળશે.