હરિયાણાના નૂહમાં હિંસાને કારણે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. દરમિયાન જિલ્લા પ્રશાસને ફરી એકવાર ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવી દીધું છે. આજે અહીં SHKM સરકારી મેડિકલ કોલેજ પાસે ગેરકાયદે દુકાનો તોડી પાડવામાં આવી છે. આ સાથે ગેરકાયદે અતિક્રમણ પણ ખાલી કરાવવામાં આવ્યું છે. આજે સવારે, નૂહ વહીવટીતંત્રની ટીમ નલહર મંદિરના માર્ગ પર સ્થિત હોસ્પિટલની સામે પહોંચી અને ત્યાં ગેરકાયદે અતિક્રમણ દૂર કરવાનું કામ શરૂ કર્યું છે. શહેરમાં બુલડોઝરની સતત કાર્યવાહીના કારણે ગેરકાયદે બાંધકામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
#WATCH | Haryana administration demolishes illegal constructions near SKM Government Medical College in Nuh district pic.twitter.com/r2htjmGpyh
— ANI (@ANI) August 5, 2023
40 જેટલી ગેરકાયદે દુકાનો પર ફરી વળ્યું બુલડોઝર
મળતી માહિતી મુજબ, આ કાર્યવાહી ડિસ્ટ્રિક્ટ ટાઉન પ્લાનર દ્વારા કરવામાં આવી રહી છે. 40 જેટલી દુકાનો ગેરકાયદે હતી, તેને તોડી પાડવામાં આવી છે. આ એ જ જગ્યા છે જ્યાં 31 જુલાઈએ હિંસા ફાટી નીકળ્યા બાદ વાહનો સળગાવવામાં આવ્યા હતા અને પથ્થરમારો થયો હતો.
ગઈકાલે પણ બુલડોઝર ચાલવામાં આવ્યું હતું
નૂહના એસડીએમ અશ્વિની કુમારે જણાવ્યું કે, સીએમના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી છે. અહીં બધું ગેરકાયદે બાંધકામ છે. આ લોકો પણ રમખાણોમાં સામેલ હતા, તેથી સીએમના આદેશ પર કાર્યવાહી કરવામાં આવી રહી છે. સ્થળ પર હાજર અધિકારીઓના જણાવ્યા મુજબ ગેરકાયદેસર કબજાની જમીન ખાલી કરાવવામાં આવી રહી છે. આ પહેલા ગઈકાલે સ્થાનિક વહીવટીતંત્રે ચાર જગ્યાએ બુલડોઝર ચલાવીને ગેરકાયદે બાંધકામો દૂર કર્યા હતા. ગુરુવારે પણ નુહના તાવડુમાં બુલડોઝર ચાલવામાં આવ્યું હતું.
બુલડોઝર વડે 200થી વધુ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડી
પોલીસે રોહિંગ્યાઓના ગેરકાયદે કબજા અને ગેરકાયદે ઘૂસણખોરો પર બુલડોઝર ચલાવ્યું હતું. મળતી માહિતી અનુસાર, આ રોહિંગ્યાઓએ હરિયાણા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની જમીન પર ગેરકાયદે કબજો જમાવ્યો હતો. પોલીસે બુલડોઝર વડે 200થી વધુ ઝૂંપડપટ્ટીઓ તોડી પાડી હતી. બુલડોઝરની કાર્યવાહી લગભગ 4 કલાક સુધી ચાલી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ ઝૂંપડપટ્ટીમાં બાંગ્લાદેશના ઘણા લોકો ગેરકાયદેસર રીતે રહે છે. આમાંના ઘણા લોકો હિંસામાં સામેલ હતા.