વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિપક્ષ પર ‘નકારાત્મક રાજકારણ’ કરવાનો આક્ષેપ કરતાં રવિવારે કહ્યું કે, ‘ક્વિટ ઈન્ડિયા’ આંદોલનથી પ્રેરિત થઈ આખો દેશ આજે ‘ભ્રષ્ટાચાર, વંશવાદ અને તુષ્ટિકરણ ભારત છોડો’નું સમર્થન કરી રહ્યો છે. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સ મારફત દેશભરમાં રૂ. ૨૪,૦૦૦ કરોડના ખર્ચે ૨૭ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૫૦૮ રેલવે સ્ટેશનોના પુનર્વિકાસ કામોનો શિલાન્યાસ કરવાના એક સમારંભને સંબોધન કરતા વિપક્ષની ઝાટકણી કાઢી હતી.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના વિવિધ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૫૦૮ સ્ટેશનોના વિકાસ માટે લોકાર્પણ અને શિલાન્યાસ કર્યો છે. આ પ્રોજેક્ટ પૂરો થયા પછી દેશના આ સ્ટેશનોની કાયાકલ્પ થઈ જશે. આ કાર્યક્રમ હેઠળ ૫૦૮ સ્ટેશનોમાં પ્રવાસીઓને અત્યાધુનિક સુવિધાઓ અપાશે, જેમાં અનેક બાબતોનો સમાવેશ થાય છે.
આ ૫૦૮ સ્ટેશનોમાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના ૫૫, બિહારના ૪૯, મહારાષ્ટ્રના ૪૪, પશ્ચિમ બંગાળના ૩૭, મધ્ય પ્રદેશના ૩૪, આસામના ૩૨, ઓડિશાના ૨૫, પંજાબના ૨૨, ગુજરાત અને તેલંગણાના ૨૧, ઝારખંડના ૨૦, આંધ્ર પ્રદેશ અને તમિલનાડુના ૧૮ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ સ્ટેશનોની બનાવટ સ્થાનિક સંસ્કૃતિ, વારસા અને સ્થાપત્ય પરથી પ્રેરિત હશે. સ્ટેશન પર આવાગમન કરતા પ્રવાસીઓએ સામાન લઈને સીડીઓ ચઢવી પડતી હતી. એવામાં પુનર્વિકાસ પ્રોજેક્ટ હેઠળ આ સ્ટેશનો પર લિફ્ટ અને એસ્કલેટર લગાવાશે. પ્રવાસીઓ માટે વેઈટિંગ રૂમની પણ વ્યવસ્થા હશે. સાથે એક્ઝિક્યુટિવ લાઉન્જ અને કોનકોર્સ એરિયા પણ બનાવાશે. એટલું જ નહીં અહીં ફૂડ કોર્ટ, શોપિંગ મોલ, કાફેટેરિયા અને પ્લે એરિયા પણ બનાવાશે.
આ કાર્યક્રમમાં વિપક્ષની ઝાટકણી કાઢતાં વડાપ્રધાન મોદીએ કહ્યું વિપક્ષ માત્ર કામ કરીશું નહીં અને કામ કરવા દઈશું નહીંના સિદ્ધાંત પર ચાલી રહ્યો છે. દુર્ભાગ્યથી આપણા દેશમાં વિપક્ષનું એક જૂથ આજે પણ જૂની ઢબે ચાલી રહ્યું છે. તે આજે પણ પોતે કોઈ કામ કરશે નહીં અને કોઈને કામ કરવા પણ નહીં દે. દેશે આજની અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નવી સંસદ બનાવી. સંસદ દેશના લોકતંત્રનું પ્રતીક હોય છે. પરંતુ વિપક્ષના આ જૂથે સંસદની નવી ઈમારતનો પણ વિરોધ કર્યો. અમે કર્તવ્ય પથનો વિકાસ કર્યો તો તેમણે તેનો પણ વિરોધ કર્યો.
વડાપ્રધાને કહ્યું કે, સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાની સૌથી મોટી પ્રતિમા છે અને બધા જ ભારતીયોને તેના પર ગૌરવ છે. પરંતુ કેટલાક પક્ષોને ચૂંટણી સમયે જ ભારતના પહેલા ગૃહમંત્રીની યાદ આવે છે, પરંતુ તેમનો કોઈપણ મોટો નેતા હજુ સુધી સરદાર પટેલની આ પ્રતિમા પર શ્રદ્ધાંજલિ અર્પણ કરવા નથી ગયો.
તેમણે ઉમેર્યું કે, આ લોકોએ ૭૦ વર્ષ સુધી દેશના વીર શહીદો માટે વોર મેમોરિયલ નથી બનાવ્યું.
અમે નેશનલ વોર મેમોરિયલ બનાવ્યું તો ખુલ્લેઆમ તેની પણ ટીકા કરતા તેમને શરમ આવી નહીં. અમે નકારાત્મક રાજકારણથી ઉપર ઉઠીને એક મિશન હેઠળ સકારાત્મક રાજકારણના માર્ગે આગળ ચાલી રહ્યા છીએ. વિકસિત થવાના લક્ષ્ય તરફ આગળ વધતા ભારતે અમૃતકાળમાં પ્રવેશ કર્યો છે.