આ વર્ષે ભરાયેલા ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલિંગ ડેટામાં ભારતીય કરોડપતિઓને લઈ ચોંકાવનારી વિગતો સામે આવી છે. ડેટા મુજબ ભારતમાં અમીરોની સંખ્યામાં ઝડપથી વધારો થઈ રહ્યો છે. ડેટા મુજબ દેશમાં એક કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા કરદાતાઓની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને કોરોનાકાળ બાદ દેશમાં અમીરોની સંખ્યમાં ઉછાળો જોવા મળ્યો છે.
50 ટકા વધ્યા કરોડપતિ કરદાતાઓ
2022-23ના ઈન્કમટેક્સ રિટર્ન ફાઈલિંગ ડેટા મુજબ એક કરોડ રૂપિયાથી વધુની આવક ધરાવતા 2.69 લાખ કરદાતાઓએ ITR ફાઈલ કરાવ્યું છે. અગાઉ આ આંકડો 2018-19માં 1.80 લાખ હતો, જેની તુલનાએ આ વખતે 49.4 ટકાનો વધારો થયો છે. આ મામલે 2021-22માં 1.93 લાખ કરદાતાઓ નોંધાયા હતા. છેલ્લા ચાર વર્ષમાં 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરનારાઓની સંખ્યામાં 50 ટકાનો ઉછાળો આવ્યો છે.
આટલી મોટી ઉપલબ્ધી છતાં કરદાતાઓની સંખ્યામાં સામાન્ય વધારો
એક તરફ દેશમાં કરોડપતિની સંખ્યામાં વધારો થયો છે, તો બીજીતરફ કરદાતાઓની સંખ્યામાં સામાન્ય વધારો નોંધાયો છે. હાલ દેશની કુલ વસ્તીમાંથી માત્ર 6 ટકા લોકો જ ટેક્સ ચુકવતા હોવાનું સામે આવ્યું છે.
2 વર્ષમાં કરોડપતિઓની સંખ્યામાં 2 ઘણો વધારો
વાર્ષિક એક કરોડ રૂપિયાથી વધુ આવક ધરાવતા વ્યક્તિગત કરદાતાઓની સંખ્યા છેલ્લા 2 વર્ષમાં 2 ઘણી વધી માર્ચ 2022 સુધી 1.69 લાખે પહોંચી ગઈ છે. મૂલ્યાંકન વર્ષ 2022-23ના આવકવેરા રિટર્નના ડેટા, જેમાં નાણાંકીય વર્ષ 2021-22ની આવક અંગેની જાણકારી આપવામાં આવી છે, તે મુજબ કુલ 1,69,890 લોકોએ તેમની વાર્ષિક આવક એક કરોડ રૂપિયાથી વધુ બતાવી છે. જ્યારે વર્ષ 2021-22માં 1,14,446 લોકો, 2022-23માં 2.69 લોકોએ તેમની આવક એક કરોડ રૂપિયાથી વધુ દર્શાવી છે.
રિટર્ન ફાઈલ કરનારાઓમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે
દેશમાંથી કુલ 7.78 કરોડ લોકોએ વર્ષ 2022-23નું રિટર્ન ફાઈલ કરાવ્યું છે, જ્યારે 2021-22માં 7.14 કરોડ લોકોએ, 2020-21માં 7.39 કરોડ લોકોએ રિટર્ન ફાઈલ કરાવ્યું હતું. જોકે આ વર્ષે સૌથી વધુ રિટર્ન ફાઈલ કરવા મામલે મહારાષ્ટ્ર પ્રથમ ક્રમાંકે છે. મહારાષ્ટ્રમાં કુલ 1.98 કરોડ લોકોએ રિટર્ન ફાઈલ કરાવ્યું છે, જ્યારે બીજા ક્રમાંકે આવેલા ઉત્તર પ્રદેશમાંથી કુલ 75.72 લાખ લોકોએ રિટર્ન ફાઈલ કરાવ્યું છે. ત્યારબાદ ત્રીજા ક્રમાંકે ગુજરાતમાંથી 75.62 લાખ, રાજસ્થાનમાંથી 50.88 લાખ, પશ્ચિમ બંગાળમાંથી 47.93 લાખ, તમિલનાડુમાંથી 47.91 લાખ, કર્ણાટકમાંથી 42.82 લાખ અને દિલ્હીમાંથી 39.99 લાખ રિટર્ન ભરવામાં આવ્યા.