તા.૯ ઓગસ્ટ એટલે ‘વિશ્વ આદિવાસી દિવસ’. વર્ષ ૧૯૮૨માં સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા એક સમિતિની રચના કરવામાં આવી હતી. જેની પ્રથમ બેઠક વર્ષ એ જ વર્ષની ૯ ઓગષ્ટે મળી હતી. ૧૦ વર્ષ પછી ઇ.સ.૧૯૯૨માં બ્રાઝિલના રિયોડીજાનેરો ખાતે ‘પૃથ્વી પરિષદ’નું આયોજન કરાયુ હતુ. જેમાં ૬૮ જેટલા દેશોના ૪૦૦ આદિવાસી આગેવાનોએ ભાગ લઈ વિશ્વ સમાજ સમક્ષ આદિવાસીઓ અને પ્રકૃતિને બચાવી લેવાના વૈશ્વિક જાગૃતિ અભિયાન માટે અપીલ કરી હતી. તેના અનુસંધાને UNOના ૧૧મા અધિવેશનમાં એ વર્ષને ‘વિશ્વ આદિવાસી વર્ષ’ તરીકે જાહેર કર્યું અને સંયુક્ત રાષ્ટ્ર સંઘની પ્રથમ બેઠક ૯ ઓગષ્ટે મળી હોવાથી વર્ષ ૧૯૯૩થી દર વર્ષની ૯ ઓગષ્ટને ‘વિશ્વ આદિવાસી દિન’ તરીકે ઉજવવાની ઘોષણા કરી હતી.
ઈતિહાસ
વિશ્વ આદિવાસી દિને તેમનાના ઇતિહાસ પર એક નજર કરી તો, આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઇ તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબધ્ધતા આવે તથા જળ, જંગલ, જમીન અને પૃથ્વી ઉપરનાં માનવ, જીવનસૃષ્ટિ, પશુ-પંખી અને પ્રકૃતિનાં સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે. આદિવાસી સ્વાતંત્ર્ય સેનાની અને જન નાયક બિરસામુંડાએ બિહાર-ઝારખંડમાં અંગ્રેજો સામે લાંબો સંઘર્ષ કરી આદિવાસી પ્રજાને ન્યાય અપાવ્યો હતો. અને કૃષિ ક્ષેત્રે આદિવાસીઓની લગાન માફ કરવા માટે પણ તેઓ અંગ્રેજો વિરુધ્ધ થતા હતા.
એ સિવાય ભાવનગરના રાજા હમીરજી ગોહિલને સોમનાથ મંદિર બચાવવા માટે વેગડા ભીલે મદદ કરી શહીદી વ્હોરી હતી અને મહારાણા પ્રતાપને યુદ્ધમાં આદિવાસી ભાઇઓએ જ મદદનો હાથ આપ્યો હતો. તો રામને લંકા વિજય દરમિયાન, ડાંગમાં રાજાઓનાં પગપેસારાને અટકાવવામાં પણ આદિવાસીઓનો ફાળો મહત્વનો છે. ઝાંસીની રાણીને ટેકો આપતા આદિવાસીઓએ માનગઢ મહાનાયકશ્રી ગોવિંદગુરૂ સાથે મળી અંગ્રેજોને ધૂળ ચાટતા કર્યા હતાં. આ જ રીતે હજારો આદિવાસીઓએ અંગ્રેજો સામે બળવો કરી બલિદાનો આપ્યાં છે.
આદિજાતિ વિકાસ માટે કાર્યરત યોજનાઓ
આદિજાતિ સમાજની આગેવાની કરતા બિરસામુંડાની યાદમાં આદિજાતિ વિકાસ વિભાગની કચેરીને “બિરસામુંડા ભવન” નામ આપવામાં આવ્યુ છે. આ કચેરી અંતર્ગત સમાવિષ્ટ આદિવાસી જિલ્લાઓમાં ઉમરગામથી અંબાજી સુધીના દરેક જિલ્લામાં ટ્રાયબલ સબ પ્લાન(TSP) કચેરી કાર્યરત છે. જ્યાં વિવિધ યોજનાઓ થકી આદિજાતિ સમાજના ઉત્થાન માટે કાર્ય કરવામાં આવે છે. જેમાં ખેતી, શિક્ષણ, આરોગ્ય, પશુપાલન, આવાસ, ડેરી, મત્સ્યોદ્યોગ, વન વિકાસ, સિંચાઇ, વીજળી, રસ્તા, તાલીમ, આજીવિકા માટે અને પ્રાથમિક શિક્ષણમાં અભ્યાસ કરતા બાળકો માટે દુધ સંજીવની જેવી યોજનાઓ અમલમાં છે. જેના થકી આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થઇ રહ્યો છે.