“મારી માટી, મારો દેશ” કાર્યક્રમ દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત કરવા અને આઝાદીના જંગના વીર શહીદોને અંજલિ આપવાનો અવસર.
- ગ્રામ પંચાયતો અને શહેરી વિસ્તારના અમૃત સરોવર પર વીર શહીદોના નામ સાથે લગાવાશે શિલાફલકમ
- રાષ્ટ્રની એકતા અને એકસુત્રતા માટે નાગરિકો સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લેશે
- વસુધા વંદન કાર્યક્રમ અંતર્ગત ગામે-ગામ કરાશે વૃક્ષારોપણ
- દરેક તાલુકાનું પ્રતિનિધિત્વ કરતા ૭૫૦૦થી વધારે યુવાનો એકત્ર થયેલી માટીના અમૃતકળશ દિલ્હી- કર્તવ્યપથ સુધી પહોંચાડશે
દેશવ્યાપી કાર્યક્રમ હેઠળ સુરત જિલ્લામાં તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન યોજાશે “મારી માટી, મારો દેશ” અભિયાન.
“મારી માટી, મારો દેશ” અભિયાન અંતર્ગત જિલ્લા કલેકટર આયુષ ઓકના અધ્યક્ષસ્થાને પત્રકાર પરિષદ યોજાઈ.
તા.૯મીએ ઉમરપાડા, મહુવા અને માંડવીથી “મારી માટી, મારો દેશ” અભિયાનનો થશે પ્રારંભ.
માતૃભૂમિને નમન અને દેશનાં સપૂતોને શ્રધ્ધાંજલિ આપવા માટે તા. ૯ થી ૩૧ ઓગસ્ટ દરમિયાન દેશભરમાં યોજાનાર “મારી માટી, મારો દેશ” અભિયાનમાં સામેલ થઈ આઝાદી કા અમૃત મહોત્સવની પૂર્ણાહૂતિને યાદગાર બનાવવા નાગરિકોને જિલ્લા કલેકટર આયુષ ઓકે અનુરોધ કર્યો હતો. આ સંદર્ભે જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજિત પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કલેકટરએ જણાવ્યું હતું કે, દેશવાસીઓમાં રાષ્ટ્રપ્રેમની ભાવના પ્રજ્વલિત થાય અને આઝાદીના જંગમાં હસતા મુખે શહિદી વહોરનાર આપણા વીર શહીદોના બલિદાનને યાદ કરવાના હેતુ સાથે દેશમાં મેરી માટી મેરા દેશ કાર્યક્રમ યોજાનાર છે.
કલેકટરએ આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય તથા તાલુકા કક્ષાએ યોજાનાર શિલાફલકમનું સમર્પણ, પંચ પ્રણ પ્રતિજ્ઞા સાથે સેલ્ફી, વસુધા વંદન, વીરોને વંદન તથા ધ્વજ વંદન સાથે રાષ્ટ્રગાન જેવા પંચવિધ કાર્યક્રમોની વિગતો આપી હતી. તેમણે કહ્યું કે, આ કાર્યક્રમને સફળ બનાવવા અને લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરવા માટે સુરત જિલ્લા વહીવટીતંત્ર સજ્જ છે, ત્યારે માતૃભૂમિ પ્રત્યે પોતાની કૃતજ્ઞતા પ્રગટ કરવા મોટી સંખ્યામાં લોકોને આ કાર્યક્રમમાં જોડાવા અપીલ કરી હતી.
તેમણે કહ્યું કે, દેશભરની ગ્રામ પંચાયતોમાંથી ૭૫૦૦ કળશમાં માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના નવીન ‘કર્તવ્ય પથ’ ઉપર લાવવામાં આવશે. આ માટીથી આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃતવાટિકા બનાવીને વિરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સંકલ્પ કેન્દ્ર સરકારે લીધો છે. જિલ્લાના તમામ ગામમાં ૭૫ જેટલા રોપાઓ વાવવા તેમજ તેની જાળવણી માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વન વિભાગ સાથે સંકલન કરાયું છે. આ વૃક્ષો ગામમાં આવેલ પ્રાથમિક શાળા, અમૃત સરોવર, પંચાયત, મંદિરના પ્રાંગણ અને ગામ તળાવ ખાતે ઉછેરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત સુરત જિલ્લામાં આ અભિયાન તેમજ વન મહોત્સવ અંતર્ગત કુલ ૫ લાખ વૃક્ષો વાવવા અને ઉછેરવાનો લક્ષ્યાંક છે. જેને પરિપૂર્ણ કરવા જનતાનો સહયોગ અપેક્ષિત હોવાનો મત તેમણે વ્યક્ત કર્યો હતો.
તા.૯મીએ જિલ્લાના ઉમરપાડા, મહુવા અને માંડવીથી “મારી માટી, મારો દેશ” અભિયાનનો પ્રારંભ થશે એમ તેમણે જણાવ્યું હતું.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એમ.બી.પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય સેનાનીઓ અને વીર શહીદ જવાનોને સાચી શ્રદ્ધાંજલિ આપવા વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશભરમાં “મારી માટી, મારો દેશ” અભિયાન યોજી દેશના તમામ ૨.૫ લાખથી વધુ ગામોની માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના કર્તવ્ય પથ સુધી લાવીને “અમૃત મહોત્સવ સ્મારક” તેમજ ‘અમૃતવાટિકા”નું નિર્માણ કરવામાં આવશે.
નિયામકએ કહ્યું કે, સાથોસાથ, હર ઘર તિરંગા કાર્યક્રમ હેઠળ પંચાયત વિભાગ, નગરપાલિકા અને મહાનગરપાલિકા અંતર્ગત દરેક ઘરો, જાહેર સ્થળો, કચેરીઓ પર તિરંગો લહેરાવવામાં આવશે. જિલ્લાનાં કુલ-૧૧ તાલુકા મથકની કચેરી ખાતે પોલીસ વિભાગ દ્વારા તા.૧૧ થી ૧૮ ઓગસ્ટ દરમિયાન ફ્લેગ માર્ચ યોજવામાં આવશે.
જિલ્લાની કુલ ૯૩૮ પ્રાથમિક અને ૧૧૬ માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો ભાગ લેશે અને પંચ પ્રણ પ્રતિજ્ઞા, વીરો ને વંદન, સ્વતંત્રતા સેનાની સન્માન, શહીદ સ્મૃતિ વંદના, શહીદોના પરિવારોનું સન્માન, દેશભક્તિ ગીત, નૃત્ય, ચિત્ર, રંગોળી, માઈમ, કાવ્ય પઠન, પરેડ, ધ્વજવંદન, વસુધા વંદનમાં ૭૫ રોપા વૃક્ષારોપણ, ચિત્રાંકન, ભીંતસૂત્રો, વારલી પેઈન્ટિંગ જેવી પ્રવૃતિઓ અને સ્પર્ધાઓ યોજાશે. આરોગ્ય વિભાગ દ્વારા તા.૯ થી ૩૦ ઓગસ્ટ સુધી પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના-આયુષ્માન ભારત યોજનાના કુલ ૭૫૩ એનરોલમેન્ટ કેમ્પ યોજવામાં આવશે.
સુરત જિલ્લામાં ‘મારી માટી, મારો દેશ’ અભિયાન હેઠળ મુખ્ય પાંચ સ્તંભ પર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ‘શિલાફલકમનું સ્થાપન’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૫૬૬ ગ્રામ પંચાયત વિસ્તારમાં આવેલા અમૃત સરોવર કે તળાવો ખાતે પથ્થરની તકતી ઉભી કરીને સ્થાનિક વીરોના નામોનો પણ સમાવેશ કરવામાં આવશે.
‘વસુધા વંદન’ કાર્યક્રમ અંતર્ગત જિલ્લાની ૬૯૪ ગ્રામ પંચાયતો, ૯ તાલુકાકક્ષા તથા ચાર નગરપાલિકાકક્ષાએ ૭૫ રોપાઓનું વાવેતર કરવામાં આવશે. આમ ૫૩ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર થશે. આ ઉપરાંત જિલ્લામાં તૈયાર કરવામાં આવેલા ૯૦ અમૃત સરોવર ખાતે પણ ૭૫ રોપાઓનું વાવેતર કરવામાં આવશે.
‘વીરોને વંદન’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર દરેક કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદ સેનાનીઓના પરિવારો, સંરક્ષણ કર્મચારીઓ અથવા તેમના પરિવારને આમંત્રિત કરીને તેમનું સન્માન કરવામાં આવશે. ‘રાષ્ટ્રધ્વજ ફરકાવવો અને રાષ્ટ્રીય ગીતનું ગાન’ કાર્યક્રમ અંતર્ગત ગ્રામ પંચાયત કક્ષાએ યોજાનાર કાર્યક્રમોમાં ગ્રામજનો દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે અને રાષ્ટ્રગાન પણ ગાવામાં આવશે.
કુલ પાંચ કાર્યક્રમોના સમન્વય સાથે શહીદ વીરોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. આ અભિયાનમાં શહેર-જિલ્લાના દરેક લોકો સહભાગી બની વીરો, સ્વંત્રતતા સેનાનીઓને સાચી શ્રદ્ધાંજલિ આપી આ અભિયાનની વેબસાઈટ https://merimaatimeradesh.gov.in/step પર છોડ, દીવડો કે માટી સાથેની સેલ્ફી પણ અપલોડ કરશે.
વધુ વિગતો આપતા તેમણે જણાવ્યું હતું કે, હર ઘર તિરંગા અભિયાન હેઠળ ગ્રામ પંચાયતોમાં એક લાખ, નગરપાલિકાઓમાં ૨૨,૫૦૦ તથા તાલુકાકક્ષાએ ૨૦૦૦ તથા મહાનગરપાલિકા કક્ષાએ ચાર લાખ સહિત કુલ ૫.૨૪ લાખ તિરંગાઓનું વિતરણ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં ૫૬૬ સ્થળે, તાલુકા પંચાયત કક્ષાએ ૯, નગરપાલિકા કક્ષાએ ૪, મહાનગરપાલિકા કક્ષાએ ૩૦ શિલાફલકમ સ્થાપિત કરાશે. ૫૬૬ ગામોમાં ગ્રામસભા યોજાશે.
પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી બી.કે.વસાવા, નગરપાલિકાઓના પ્રાદેશિક કમિશનર ડી.ડી. કાપડિયા, અધિક નિવાસી કલેક્ટર વાય.બી.ઝાલા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી (પંચાયત) પ્રીતીબેન ઠક્કર સહિત પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ- તેજસ વશી (સુરત)