રશિયાને પાંચ દાયકા પછી હાથ ધરેલા પહેલા ચંદ્રમિશનમાં મોટો ફટકો પહોંચ્યો છે. રશિયાનું અવકાશયાન લુના-૨૫ રવિવારે ચંદ્રની ધરતી પર તૂટી પડયું હતું. રશિયાનું લુના-૨૫ શનિવારે ચંદ્રની અનિયંત્રિત ભ્રમણ કક્ષામાં પ્રવેશ્યું ત્યારે તેમાં યાંત્રિક ખામી સર્જાઈ હતી. તેના એક દિવસ પછી આ યાન ચંદ્રની ધરતી પર તૂટી પડયું હતું. રશિયાની અવકાશ સંસ્થાએ રવિવારે કહ્યું કે ચંદ્રની દક્ષિણ ધુ્રવની સપાટી પર ઉતરાણ માટેની સ્પર્ધામાં હવે ભારતનું એકમાત્ર ચંદ્રયાન-૩ મિશન બાકી રહ્યું છે. રશિયાનું લુના-૨૫ ભારતના ચંદ્રયાન-૩ પછી છોડવામાં આવ્યું હતું, પરંતુ તે તેના પહેલાં ચંદ્રની સપાટી પર પહોંચવાનું હતું.
રશિયન અવકાશ સંસ્થા રોસકોસમોસે કહ્યું હતું કે, લુના-૨૫ પ્રપોલ્શન મેનુવર સમયે ચંદ્રની સપાટી સાથે અથડાયું હતું. આ કારણે તે દુર્ઘટનાનો શિકાર થઈ ગયું છે. લુના-૨૫નું તૂટી પડવું તે રશિયા માટે મોટા ફટકા સમાન છે. વર્ષ ૧૯૭૬ પછી આ પહેલું ચંદ્રમિશન રશિયા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હતું. સોવિયેત સંઘના પતન પછી રશિયાએ કોઈપણ લુનાર મિશન લોન્ચ કર્યું નહોતું. ભારતના ચંદ્રયાન-૩ની જેમ રશિયાનું લુના-૨૫ પણ ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર સોમવારે સોફ્ટ લેન્ડ કરવાનું હતું. આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા ખાતે સતીષ ધવન અવકાશ કેન્દ્ર પરથી ૧૪મી જુલાઈએ છોડવામાં આવેલું ચંદ્રયાન-૩ ૨૩ ઑગસ્ટને બુધવારે ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર સોફ્ટ લેન્ડ કરવાનું છે.
રોસકોસમોસે કહ્યું કે, લુના-૨૫ મિશનની પ્રારંભિક તપાસથી જાણવા મળ્યું છે કે મેનુવર સમયે વાસ્તવિક અને અંદાજિત ગણતરીમાં વિચલન થયું હતું. આ કારણે સ્પેસક્રાફ્ટ એવી કક્ષામાં જતું રહ્યું, જેની કોઈ અપેક્ષા કરાઈ નહોતી. આ કારણે ચંદ્ર સાથે તે અથડાયું અને તૂટી પડયું હતું. રશિયન એજન્સીએ કહ્યું કે, શનિવારે લુના-૨૫ અવકાશ યાનને ઉડ્ડયન કાર્યક્રમ મુજબ તેની પ્રી-લેન્ડિંગ ઈંડાકાર કક્ષા બનાવવા માટે ગતિ અપાઈ હતી. સ્થાનિક સમય મુજબ બપોરે અંદાજે ૨.૫૭ કલાકે લુના-૨૫ની કમ્યુનિકેશન સિસ્ટમ બ્લોક થઈ ગઈ હતી. આ કારણે તેની સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
એજન્સીએ તેની સત્તાવાર ટેલિગ્રામ ચેનલ પર જણાવ્યું કે, ડિવાઈસ શોધવા અને તેનો સંપર્ક કરવા માટે શનિવાર અને રવિવારે કરવામાં આવેલા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા હતા. રોસકોસમોસે ઉમેર્યું કે, તેમનું યાન એક ઓફ-ડિઝાઈન કક્ષામાં જતું રહ્યું હતું.
આ કારણે ચંદ્રની સપાટી સાથે તે અથડાયું હતું અને તેનું અસ્તિત્વ ચંદ્રની સપાટી પર જ ખતમ થઈ એક વિશેષ તપાસ પંચ આ અભિયાનની નિષ્ફળતાની તપાસ કરશે. આ અવકાશયાને બુધવારે ચંદ્રની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પ્રવેશ કર્યો હતો, પરંતુ સોફ્ટ લેન્ડિંગ કરી શક્યું નહીં.
રશિયાના લુના-૨૫ અવકાશયાનનું વજન ૧૭૫૦ કિલો હતું. ચંદ્રયાન-૩ની સરખામણીમાં ઓછા વજનના કારણે લુના-૨૫ ઈંધણ ભંડારની ક્ષમતા અને ઈંધણ ક્ષમતા સંબંધિત ચિંતાઓ દૂર કરી દીધી હતી, તેથી તે ચંદ્રયાન-૩ની પદ્ધતિથી વિપરિત સીધું જ ચંદ્ર તરફ રવાના થયું હતું.
ફ્રાન્સના અવકાશ વિજ્ઞાાની અને ઉલ્કાપીંડો પર અધ્યયન કરનારા ફ્રેન્ક માર્ચિસનું કહેવું હતું કે, એક સોફ્ટવેરની ગડબડે રોસ્કોમોસનું સપનું તોડી નાંખ્યું. આ ગડબડના કારણે લુના-ગ્લોબ લેન્ડર બરબાદ થઈ ગયું. ટેકનિકલ ખામી પછી લગભગ ૧૦ કલાક સુધી લુના-૨૫ સાથે કોઈ સંપર્ક થઈ શક્યો નહોતો.
ચંદ્ર પર અત્યાર સુધીમાં માત્ર ત્રણ જ દેશો સોવિયેત સંઘ, અમેરિકા અને ચીન જ સફળ ઉતરાણ કરી શક્યા છે. જોકે, આ દેશોએ ચંદ્રના ઉત્તર ધૂ્રવ પર ઉતરાણ કર્યું છે. ચંદ્રના દક્ષિણ ધુ્રવ પર હજુ સુધી કોઈ દેશનું અવકાશયાન સોફ્ટ લેન્ડિંગ કરી શક્યું નથી ત્યારે તાજેતરમાં રશિયા અને ભારત વચ્ચે દક્ષિણ ધુ્રવ પર પહેલાં ઉતરાણ કરવા સ્પર્ધા જામી હતી.
ભારતે ચંદ્રયાન-૩ લોન્ચ કર્યાના થોડાક જ દિવસમાં રશિયાએ પણ તેનું લુના-૨૫ અવકાશ યાન રવાના કર્યું હતું. પરંતુ હવે રશિયાનું યાન તૂટી પડતાં વિશ્વની નજર ચંદ્રયાન-૩ પર છે.
લુના-૨૫ની નિષ્ફળતા છતાં ઈસરોને ચંદ્રયાન-૩ના સફળ ઉતરાણનો વિશ્વાસ છે. ચંદ્રયાન-૩ સફળ ઉતરાણ કરશે તો ભારત દક્ષિણ ધૂ્રવ પર ઉતરાણ કરનારો પહેલો દેશ બનીને ઈતિહાસ રચશે.
રશિયન પ્રમુખ પુતિનનું મહત્ત્વકાંક્ષી રૂ. ૧૬૬૩ કરોડનું મિશન ચકનાચૂર
યુક્રેન પર આક્રમણના દોઢ વર્ષના સમયમાં રશિયા પશ્ચિમી દેશોના અનેક પ્રતિબંધોનો સામનો કરી રહ્યું છે. આવા સમયે પ્રમુખ વ્લાદિમિર પુતિને રશિયા અવકાશ ક્ષેત્રે હજુ પણ સુપર પાવર છે તેવું દર્શાવવા માટે મૂન મિશન હાથ ધર્યું હતું. વધુમાં યુક્રેન યુદ્ધ પહેલાં રશિયાના મૂન મિશનમાં યુરોપીયન અવકાશ એજન્સી સામેલ હતી, પરંતુ હવે રશિયાએ એકલા હાથે આ મિશન આગળ વધાર્યું હતું. આથી આ મિશન પુતિન માટે પ્રતિષ્ઠાનો સવાલ બની ગયું હતું. પુતિન બતાવવા માગતા હતા કે પશ્ચિમી દેશોની મદદ વિના પણ રશિયા અવકાશ ક્ષેત્રે સોવિયેત સંઘ જેવી સફળતા હાંસલ કરી શકે છે. રશિયાએ આ મિશન માટે બજેટનો આંકડો સત્તાવાર રીતે જાહેર કર્યો નહોતો, પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ રશિયાએ લુના-૨૫ પાછળ અંદાજે રૂ. ૧૬૬૩ કરોડ (૨૦૦ મિલિયન ડોલર)ના ખર્ચે કર્યો હતો.