દક્ષિણ આફ્રિકામાં યોજાનારા બ્રિક્સના શિખર સંમેલનમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના પ્રમુખ જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય બેઠક થાય એવી શક્યતા વ્યક્ત થઈ રહી છે. વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ કહ્યું હતું કે પીએમ મોદીની વિદેશી નેતાઓ સાથેની મુલાકાતોનાં ટાઈમટેબલને અંતિમ રૂપ આપવામાં આવી રહ્યું છે. બંને દેશોના નેતાઓ વચ્ચે મુલાકાત થશે કે નહીં તે હજુ સુધી સત્તાવાર કહેવાયું ન હતું, પરંતુ મુલાકાતની ઉજળી શક્યતા છે. જો મુલાકાત થશે તો ૨૦૨૦માં લદાખમાં બંને દેશોના સૈન્ય વચ્ચે લોહિયાળ સંઘર્ષ થયો પછી પહેલી દ્વિપક્ષીય મુલાકાત બનશે.
પીએમ મોદી અને જિનપિંગ વચ્ચે છેલ્લી રૂબરૂ મુલાકાત જી-૨૦ સંમેલનમાં ગયા નવેમ્બરમાં બાલીમાં થઈ હતી. જોકે, તે વખતે બંને વચ્ચે દ્વિપક્ષીય સંવાદ થયો ન હતો. માત્ર એકબીજાનું અભિવાદન થયું હતું. અગાઉ એવી અટકળો હતી કે જિનપિંગ બ્રિક્સમાં હાજર રહેવા માટે જવાના નથી, પરંતુ ચીનના વિદેશ મંત્રાલયે સત્તાવાર રીતે જિનપિંગ બ્રિક્સમાં હાજર રહેશે તેવી જાહેરાત કરી હતી. વિવિધ દેશોના સંગઠનની વર્ચ્યુઅલ મીટિંગમાં મોદી-જિનપિંગ હાજર રહ્યાં હોય એવું ઘણી વખત બન્યું છે, પરંતુ સરહદી વિવાદ પછી દ્વિપક્ષીય રૂબરૂ મુલાકાતો થઈ નથી. બંને દેશોના વિદેશ મંત્રીઓ વચ્ચે એ બાબતે રૂબરૂ મુલાકાતો થઈ ચૂકી છે. ભારત-ચીનના સૈન્ય વચ્ચે કમાન્ડર સ્તરની બેઠકો યોજાઈ છે. ઓગસ્ટ માસમાં જ ૧૯મા તબક્કાની બેઠક યોજાઈ હતી. જેમાં વિવાદનો સંપૂર્ણ ઉકેલ આવ્યો નથી, પરંતુ બંને વચ્ચે વધુ સંવાદ કરવા સહમતી બની હતી.
ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી પછી પહેલી વખત બ્રિક્સના નેતાઓ શિખર સંમેલનમાં રૂબરૂ મળશશે. કોરોનાકાળ પછીના બ્રિક્સના શિખર સંમેલનો વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજાયા હતા. બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા (બ્રિક્સ)ના પાંચ સભ્ય દેશો છે. આ વર્ષના શિખર સંમેલનમાં સંખ્યાબંધ દેશોને મહેમાન તરીકે હાજર રહેવા નિમંત્રણ અપાયું છે અને બ્રિક્સમાં અન્ય દેશોને જોડવામાં આવે એવી પણ અટકળો વ્યક્ત થઈ રહી છે. પાકિસ્તાન પણ બ્રિક્સમાં જોડાય એવી શક્યતા વચ્ચે વિદેશ સચિવે આ સંદર્ભમાં સૂચક નિવેદન આપતા કહ્યું હતું: બ્રિક્સના વિસ્તરણ બાબતે ભારત હકારાત્મક અભિગમથી અને ખુલ્લા મનથી વિચારણા કરશે.
રશિયાના પ્રમુખ પુતિન બ્રિક્સમાં હાજર રહેવા માટે દક્ષિણ આફ્રિકા જશે નહીં. રશિયન સરકારના એક સત્તાવાર નિવેદનમાં કહેવાયું હતું કે બ્રિક્સમાં રશિયાનું પ્રતિનિધિત્વ વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ કરશે અને પુતિન વીડિયો કોન્ફરન્સથી બ્રિક્સને સંબોધિત કરશે.
બ્રિક્સના વિસ્તરણ મુદ્દે ભારત હકારાત્મક અભિગમથી વિચારશે સંગઠનમાં અન્ય દેશોને જોડવા મુદ્દે વિદેશ સચિવનું નિવેદન.
બ્રિક્સ દેશોનું સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર
પાંચ દેશોના પહેલા અક્ષર પરથી આ સંગઠનનું નામ બ્રિક્સ રખાયું છે. બ્રાઝિલ, રશિયા, ઈન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકા આ સંગઠનના સભ્યો છે. સંગઠનમાં સાઉથ આફ્રિકા પછીથી જોડાયું હતું. બ્રાઝિલ, ચીન, રશિયા, ભારતે ૨૦૦૯માં આ સંગઠનની સ્થાપના કરી હતી. વિશ્વની જીડીપીમાં આ પાંચ દેશોની જીડીપીનો હિસ્સો ૩૧.૫ ટકા છે અને સૌથી ઝડપી વિકસતા અર્થતંત્રોમાં આ દેશોનો સમાવેશ થાય છે. ખરીદશક્તિની રીતે પણ આ દેશો દુનિયામાં અલગ ઓળખ ધરાવે છે. દુનિયાની કુલ વસતિમાંથી ૪૧ ટકા વસતિ આ દેશોમાં છે. દર વર્ષે શિખર સંમેલન યોજાય છે અને એક પછી એક દેશને એની અધ્યક્ષતા મળે છે.
બ્રિક્સ કરન્સી મુદ્દે દુનિયાની નજર
બ્રિક્સના સભ્ય દેશો પોતાની અલગ કરન્સીમાં વેપાર કરી શકે તે માટે ચીન-રશિયા હિમાયત કરે છે. અત્યારે ડોલર આધારિત જે વૈશ્વિક વેપાર થાય છે તેને અંકુશમાં લાવવાના ચીન-રશિયાના નેતૃત્વમાં ઘણાં પ્રયોગો ચાલી રહ્યાં છે. આ સંગઠનને પોતાની કરન્સી હોય તો વેપાર વધુ સરળ બને એવી દલીલ થઈ રહી છે. બ્રિક્સના ૧૫મા શિખર સંમેલનમાં નવા સભ્યો બનાવવા ઉપરાંત કોમન કરન્સીનો એજન્ડા પણ હોવાથી અમેરિકા સહિત દુનિયાભરની નજર તેના પર રહેશે. જોકે, ભારતે બ્રિક્સ કરન્સી બાબતે ખાસ ઉત્સુકતા બતાવી નથી. ભારતે એવો મત વ્યક્ત કર્યો હતો કે સભ્યદેશો વચ્ચે એટલો મોટો વેપાર થતો ન હોવાથી બ્રિક્સ કરન્સીનો મુદ્દો વહેલો ગણાશે.