કમલા નર્સિંગ અને અનંતા નર્સિંગ કોલેજમાં તિબેટના ભૂતકાળ અને ભવિષ્ય વિષય પર યોજાયેલા સંવાદમાં બે તિબેટન સાંસદે કૈલાસ માનસરોવર તેમજ ભારતની સુરક્ષા માટે તિબેટને ચીનની પકડમાંથી મુક્ત કરાવવા અપીલ કરી છે. તિબેટના સાંસદોનું પ્રતિનિધિ મંડળ વિવિધ યુનિવર્સિટીમાં જઈ જનજાગૃતિ અભિયાન ચલાવશે.
સાંસદ સેરિંગલામો અને દોરોજીએ જણાવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ જોતાં તિબેટમાં ચીનનો મુકાબલો કરવો એક મોટો પડકાર છે. ચીની સૈન્યની હાજરીને કારણે લોકો વિરોધ કરતા પણ ડરે છે. ચીનને લીધે તિબેટની ભાષા, સંસ્કૃતિ અને ઓળખ ખતમ થઈ રહ્યા છે. પરિવારો પણ વિખૂટા પડી રહ્યા છે. તિબેટના લોકોને તેમની ભાષા, સંસ્કૃતિ અને ઇતિહાસ શીખવાની પણ મંજૂરી નથી. ચીન તિબેટના પર્યાવરણ અને કુદરતી સંપત્તિનો વિનાશ કરી રહ્યું છે. જોકે અમે દલાઈ લામાના અહિંસાના રસ્તા પર ચાલીને તિબેટની સ્વતંત્રતા માટે લડત ચાલુ રાખીશું અને એક દિવસ તિબેટને મુક્ત કરાવીશું. બંને સાંસદે ચીનને ભારત માટે પણ ખતરો ગણાવ્યો હતો અને કૈલાસ માનસરોવરને ચીનના કબજામાંથી મુક્ત કરાવવા ભારત સરકારને અપીલ કરી છે.
કોર ગ્રુપ ઓફ તિબેટ કોઝના સંયોજક ડાૅ.અમિત જ્યોતિકરે જણાવ્યું હતું કે, તિબેટ સાથે પ્રાચીન સમયથી ભારત સાંસ્કૃતિક, ઐતિહાસિક અને સુરક્ષા અંગેના સંબંધો ધરાવે છે. પરંતુ હાલના સમયમાં તેના ભૌગોલિક મહત્ત્વને અસર થઈ છે. જો તિબેટ અલગ દેશ હોત તો ચીન અને ભારત વચ્ચે સરહદી વિવાદ જ અસ્તિત્વ ધરાવતો ન હોત. તિબેટ પર ચીને કબજો જમાવ્યો તે પહેલાં ભારત-ચીન વચ્ચે તિબેટ બફર ઝોન સમાન હતું, પરંતુ ચીનની વિસ્તારવાદી નીતિને કારણે સ્થિતિ બદલાઈ છે.