આંધ્રપ્રદેશનાં વિજયવાડામાં આજે ભિષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એક બાઈક શોરૂમમાં આગમાં લગભગ 500થી વધુ વાહનો સળગીને રાખ થઈ ગયા છે. જોકે આગમાં કોઈ જાનહાની સર્જાઈ નથી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું કહેવાઈ રહ્યું છે. ચેન્નાઈ-કોલકાતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પાસે કેપીનગર વિસ્તારમાં આજે સવારે ટીવીએસ શોરૂમ અને ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી સર્જાઈ…
પ્રી-ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરના કારણે આગ ઝડપથી ફેલાઈ
પોલીસના જણાવ્યા મુજબ પહેલા શોરૂમના પહેલા માળે આગ લાગી. ત્યારબાદ આગે એવું વિકરાળ સ્વરૂપ લીધું કે બાજુમાં આવેલા ગોડાઉનને પણ પોતાની ઝપટમાં લઈ લીધું.હાલ ઘટનાસ્થળે ફાયર બ્રિગેડના 5 વાહનો અને સુરક્ષા કર્મચારીઓ સહિતનો કાફલો પહોંચી ગયો છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ પ્રી-ફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરના કારણે આગ ઝડપથી ફેલાઈ… શોરૂમની બાજુમાં આવેલ ગોડાઉનમાં ઈલેક્ટ્રીક ટુ-વ્હિલર્સ પડેલા હતા, જેના કારણે આગે વધુ વિકરાળ બની..
ઈલેક્ટ્રીક ટુ-વ્હિલર્સના ચાર્જીગના કારણે શોર્ટ સર્કિટ ?
કંપનીનો શોરૂમ, ગોડાઉન અને સર્વિસ સેન્ટર એક જ જગ્યા પર હતા, તેથી અહીં મોટી સંખ્યામાં ટુ-વ્હિલર્સ વાહનો હતા. આ શોરૂમ વિજયવાડા અને સંયુક્ત કૃષ્ણા જિલ્લાનું સૌથી મોટું કેન્દ્ર હતું…. પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે. અધિકારીઓને આશંકા છે કે, કેટલાક ઈલેક્ટ્રીક ટુ-વ્હિલર્સને ચાર્જ કરવામાં આવી રહ્યા હતા, જેના કારણે શોર્ટ સર્કિટ થયું..
#WATCH | Motorbikes gutted in fire at a bike showroom in Vijayawada, Andhra Pradesh pic.twitter.com/aO14raASOk
— ANI (@ANI) August 24, 2023
શોરૂમમાં 500થી વધુ વાહનો સળગીને રાખ
જિલ્લા ફાયર ઓફિસર સનકારાવે કહ્યું કે, જ્યારે અમે પહોંચ્યા તો શોરૂમ સંપૂર્ણ આગ અને ધૂમાળાની લપેટમાં આવી ગયો હતો. દોઢ કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો… હાલ આગ લાગવાના કારણોની તપાસ ચાલી રહી છે. આગમાં 1000માંથી 400-500 વાહનો સળગીને રાખ થઈ ગયા… શોરૂમના માલિકને 15 કરોડ રૂપિયાનું નુકસાન થવાનો અંદાજ છે.