આવી જ એક હસ્તપ્રતનો અંગ્રેજીમાં અનુવાદ કરીને કેનેડા, બ્રિટન, જાપાનના સંશોધકોએ તેની ક્રિટિકલ એડિશન પ્રકાશિત કરી છે.જેમાં વડોદરાના બે સંશોધકોએ પણ પોતાનુ યોગદાન આપ્યુ છે. કેનેડાના આલ્બર્ટા યુનિવર્સિટીના પ્રોફેસર ડોમિનિક વુયાસ્તિક, સંશોધકો ડો.ચક્રવર્તી, મધુસુદન રીમલ, બ્રિટનની સ્કૂલ ઓફ એન્સિયન્ટ સ્ટડીઝના જેસન બિર્શ્ચ, જાપાનની ક્યોટો યુનિવર્સિટીના આન્દ્રે ક્લેબનોવ, કેરાલાની આયુર્વેદિક કોલેજના ડો.મધુ તથા એમ.એસ.યુનિવર્સિટીની સંસ્કૃત વિભાગના અધ્યાપક હર્ષલ ભટ્ટ અને વડોદરાના સંશોધક વંદના લેલેનો સમાવેશ થાય છે.
જે હસ્તપ્રતનો અનુવાદ કરાયો છે તે નેપાળમાં એક સમયે પ્રચલિત નેવારી લિપિમાં લખાયેલી છે.સુશ્રૃત સંહિતામાં નાક અને કાનની પ્લાસ્ટિક સર્જરી પર અપાયેલી જાણકારીનો નવમી સદીમાં જે તે સમયે નેપાળમાં અનુવાદ કરાયો હતો.વિદેશી સંશોધકોએ અંગ્રેજી ભાષામાં તેનો અનુવાદ કરવા એમ.એસ.યુનિવર્સિટીના ઓરિએન્ટલ ઈન્સ્ટિટયુટના ડાયરેકટર ડો.શ્વેતા પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો.એ પછી યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના સંસ્કૃત વિભાગના અધ્યાપક હર્ષલ ભટ્ટ તેમજ વડોદરાના અન્ય એક સંશોધક વંદના લેલેને આ ટીમમાં સામેલ કરાયા હતા.
હર્ષલ ભટ્ટ કહે છે કે, આ હસ્તપ્રત સુશ્રૃત સંહિતાની સૌથી જુની હસ્તપ્રત પૈકીની એક ગણાય છે.જેમાં થયેલા ઉલ્લેખ પ્રમાણે ભારતમાં ૨૦૦૦ વર્ષ પહેલા આંખ અને કાનની પ્લાસ્ટિક સર્જરી થતી હતી.સર્જરી કેવી રીતે કરાતી હતી તેનુ પણ સંપૂર્ણ વર્ણન આ હસ્તપ્રતમાં કરવામાં આવ્યુ છે.જાણકારી અનુસાર ભારતમાં આ પ્રકારે ૧૭મી સદી સુધી સર્જરી કરવાનુ ચલણ હતુ.હસ્તપ્રતના અનુવાદના આધારે તાજેતરમાં જર્મનીના પબ્લિશિંગ હાઉસ દ્વારા તેની ક્રિટિકલ એડિશન પ્રસિધ્ધ કરવામાં આવી છે.
દર્દીને બેભાન કરવા આલ્કોહોલ અને ેરુઝ લાવવા તલના તેલનો ઉપયોગ
યુનિવર્સિટીના અધ્યાપક હર્ષલ ભટ્ટ કહે છે કે, તે સમયે ક્લોરોફોર્મ હતુ નહીં એટલે સર્જરી માટે દર્દીને બેભાન કરવા કેટલીક વનસ્પતિ અથવા આલ્કોહોલનો ઉપયોગ કરવામાં આવતો હતો.ભારતમાં આંખ અને કાન વિંધવાનુ ચલણ પહેલેથી જ છે.આ પ્રક્રિયા દરમિયાન ઘણાના કાનની બૂટ કે નાક ફાટી જતુ હતુ અને તેને સાંધવા માટે પ્લાસ્ટિક સર્જરી કરાતી હતી.યુધ્ધમાં ઘાયલ સૈનિકો પર પણ આ પ્રકારની સર્જરી કરવામાં આવતી હતી.સર્જરી માટે સામાન્ય રીતે કપાળના ભાગ પરથી ચામડી લેવામાં આવતી હતી.ભારતના પૂર્વ હિસ્સામાં આ પ્રકારની સર્જરીનુ ચલણ વધારે હતુ.જેના કારણે આ હસ્તપ્રત નેપાળમાં અને ત્યાંની સ્થાનિક લિપિમાં લખાઈ હોવાનુ અનુમાન છે.સર્જરી માટે કયા ઈક્વિપમેન્ટ વપરાતા હતા તેનુ પણ વર્ણન કરાયુ છે.ઘા પર રુઝ લાવવા માટે તલના તેલનો ઉપયોગ કરાતો હતો.તલના તેલમાં બોળેલો પાટો દર્દીના ઘા પર વિંટાળી દેવાતો હતો.
અંગ્રેજો પણ પ્રાચીન પધ્ધતિ પ્રમાણે થતી સર્જરીના સાક્ષી બન્યા હતા
ભારતમાં ૧૭મી સદી સુધી સુશ્રૃત સંહિતામાં દર્શાવ્યા પ્રમાણે સર્જરી થતી હતી.૧૭મી સદીમાં કોલકાતાના યાદવ ત્રિકમજી જાણીતા સર્જન હતા.આવા ડોકટરો માટે વૈદ્ય અથવા ભિષક શબ્દનો ઉપયોગ કરાતો હતો.અંગ્રેજો પણ આ પ્રકારની સર્જરીના સાક્ષી બન્યા હતા.૧૭મી સદીમાં એક અંગ્રેજ અધિકારીએ પૂણેમાં થયેલી સર્જરીનો ઉલ્લેખ કર્યો છે.