તોશાખાના ભ્રષ્ટાચાર કેસમાં ઇમરાન ખાનને દોષિત ઠેરવનારા સેશન્સ કોર્ટના ચુકાદામાં ખામી છે તેમ ઇસ્લામાબાદ હાઇકોર્ટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જેલમાં બંધ પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાને આ ચુકાદા વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરી હતી.
હાઇકોર્ટે સોમવાર સુધી આ અપીલની સુનાવણી મોકૂફ રાખી છે. ઉલ્લેખનીય છે કે પાંચ ઓગસ્ટે ઇસ્લામાબાદની સેશન્સ કોર્ટે ઇલેકશન કમિશન ઓફ પાકિસ્તાન (ઇસીપી) દ્વારા દાખલ કરવામાં આવેલા કેસમાં ૭૦ વર્ષીય ઇમરાન ખાનને દોષિત ઠેરવી ત્રણ વર્ષની જેલની સજા ફટકારી હતી.
આ સજાને કારણે ઇમરાન ખાન પાંચ વર્ષ સુધી સમાન્ય ચૂંટણી લડવા માટે ગેરલાયક બની ગયા છે.
મુખ્ય ન્યાયમૂર્તિ આમીર ફારૃક અને ન્યાયમૂર્તિ તારીક મેહમૂદ જહાંગીરીની બનેલી ઇસ્લામાબાદ હાઇકોર્ટની બે સભ્યોની ખંડપીઠ એડિશનલ ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ જજ (એડીએસજી) હુમાયુ દિલાવરે આપેલા ચુકાદા વિરુદ્ધ દાખલ કરવામાં આવેલી અપીલની સુનાવણી કરી રહ્યાં છે.
ઇલેકશન કમિશન ઓફ પાકિસ્તાન (ઇસીપી)ના વકીલ એડવોકેટ અમજદ પરવેઝ આજે ખરાબ તબિયતને કારણે હાજર રહ્યાં ન હતાં. જેના કારણે સુનાવણી સોમવાર સુધી મુલતવી રાખવામાં આવી છે.
તોશાખાના કેસમાં ઇમરાન પર આરોપ મૂકવામાં આવ્યો છે કે પોતાના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં તેમને વિવિધ દેશેો તરફથી મળેલી ભેટો નજીવા ભાવમાં ખરીદી ઉંચા ભાવે વેચી નાખી હતી. એક રિપોર્ટ અનુસાર સાડા ત્રણ વર્ષના વડાપ્રધાન તરીકેના કાર્યકાળમાં ઇમરાનને ૧૪ કરોડ રૃપિયાની ૫૮ ગિફ્ટ મળી હતી.