ડાઈરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિયેશન (DGCA)ના સભ્યોની નિરીક્ષણ ટીમે એર ઈન્ડિયાના આંતરિક સુરક્ષા ઓડિટમાં ખામીઓ પકડી છે અને નિયામક આ મામલે તપાસ કરી રહ્યા છે. આ માહિતી DGCAના અધિકારીઓએ આપી હતી.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ શું કહ્યું?
એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ મામલે કહ્યું કે તમામ એરલાઈન્સ નિયામકો અને અન્ય એકમો દ્વારા નિયમિત સુરક્ષા ઓડિટ હેઠળ આવે છે. DGCAની ટીમે 25 અને 26 જુલાઇએ હરિયાણાના ગુરુગ્રામમાં એર ઈન્ડિયાના કાર્યાલયની મુલાકાત લીધી હતી.
એરલાઇન્સ દ્વારા 13 મામલે ફેક રિપોર્ટ તૈયાર કરાયા
DGCAને સોંપાયેલા નિરીક્ષણ રિપોર્ટ અનુસાર એરલાઈન્સે સંચાલનના જુદા જુદા ક્ષેત્રો જેમ કે કેબિન, નિરીક્ષણ, કાર્ગો, રેમ્પ અને લોડમાં નિયમિત સુરક્ષા બાબતોની તપાસ કરવાની હતી પણ DGCA દ્વારા ઓચિંતા જ નિરીક્ષણ કરવામાં આવતા જાણ થઈ કે એરલાઈન્સે તમામ 13 કેસમાં ફેક રિપોર્ટ તૈયાર કર્યા હતા.
CCTV, રેકોર્ડિંગ, ઓડિટ સ્ટેટમેન્ટના સાચા રિપોર્ટ ન આપ્યા
DGCAની ટીમે જ્યારે CCTV, રેકોર્ડિંગ, ઓડિટ સ્ટેટમેન્ટ, શિફ્ટ રજિસ્ટ્રાર દસ્તાવેજ, જીડી (જનરલ ડિક્લેરેશન) યાદી, યાત્રી ઘોષણાપત્રના માધ્યમથી ફરી વેરીફાઈ કરવામાં આવ્યું તો રિપોર્ટ નકલી હોવાની માહિતી મળી. આ ઉપરાંત નિરીક્ષણ રિપોર્ટમાં જણાવાયું કે આ ફેક તપાસ રિપોર્ટ પર ઉડાન સુરક્ષા પ્રમુખ (CFS)ના હસ્તાક્ષર નહોતા. ચેક લિસ્ટ પર ક્વૉલિટી મેનેજમેન્ટ સિસ્ટમ વિભાગના એક એકાઉન્ટ સુપરવાઈઝરના હસ્તાક્ષર હતા જે DGCAના અનુમોદન અને નિરીક્ષણના દાયરામાં નથી આવતા.
એરલાઇન્સે અન્ય યાદી પણ ઉપલબ્ધ ન કરાવી
આ ઉપરાંત નિરીક્ષણ દળે કહ્યું કે એરલાઈન્સ સમયાંતરે ફ્લાઇટ સેફ્ટી ઓડિટર્સની યાદી ઉપલબ્ધ ન કરાવી શકી. એર ઈન્ડિયા સહિત તમામ એરલાઇન્સ કંપનીઓ ભારત અને વિદેશો બંનેમાં નિયામકો અને અન્ય એકમો દ્વારા નિયમિત સુરક્ષા ઓડિટને અધીન આવે છે.