ભરૂચના ભાગકોટ સ્થિત શંકરાચાર્ય મઠના મઠાધીશ એવા અજમેર બૉમ્બ બ્લાસ્ટમાં જામીન પર છૂટેલા મુક્તાનંદ સ્વામી અને લઘુમતી કોમના બે ભાઈઓ વચ્ચે મારામારીની ઘટનાને લઈ વાતાવરણ ડોહળાવા સાથે પોલીસે બંને પક્ષે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જુના ભરૂચનાં ભાગાકોટ ઓવારા વિસ્તારમાં શંકરાચાર્ય મઠ આવેલો છે. હાલમાં જ મઠનું સંચાલન મુક્તાનંદ સ્વામીને અપાયું છે. મંગળવારે મુક્તાનંદ સ્વામી અને સ્થાનિક મુસ્લિમ યુવક બચ્ચે કોઈ બાબતે મારામારી થઈ હતી. મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. નજીકનાં દિવસોમાં તહેવાર હોય આ મામલો વધારે બગડે નહીં તે માટે પોલીસે બંને પક્ષને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેનું સુખદ પરિણામ ન આવતાં અંતે બંને પક્ષે એ ડિવિઝન મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
શંકરાચાર્ય મઠનાં મઠાધિપતિ મુક્તાનંદ સ્વામી ઉર્ફે ભાવેશ પટેલ સવારે મઠ પર ગયા ત્યારે ત્યાં એક બાઈક પડી હતી. જે લેવા સ્થાનિક યુવાન આવ્યો હતો. દરમિયાન બંને વચ્ચે બોલાચાલી બાદ મારામારી થઈ હતી અને બંને ઈજાગ્રસ્ત થયા હતાં.સામે મુસ્લિમ પક્ષના કહેવા અનુસાર આ યુવાન તેની ભેંસ શોધવા ગયો હતો. ભેંસ મળી જતાં તે બાઈક ત્યાંજ મુકીને ભેંસ ઘરે મુકવા આવ્યો હતો અને બાઈક લેવા પાછો ત્યાં ગયો હતો.
બીજી બાજુ મુક્તાનંદ સ્વામીએ આ ઘટનાને ષડયંત્ર ગણાવ્યુ હતું. તેમણે કહ્યુ હતું કે, મેં બે દિવસથી મઠનું કામ સંભાળ્યુ છે. અજાણ્યો મુસ્લિમ વ્યકિત પસાર થતાં મે સહજતાથી પુછ્યુ કે તું ક્યાં જઈ રહ્યો છે તો તેણે ઉગ્રતાથી જવાબ આપી મારામારીની સ્થિતિ ઉભી કરી. ત્યારપછી બીજા બે ત્રણ લોકોને બોલાવી ઘર્ષણ ઉભુ કર્યુ. આ સ્વાભાવિક ઘટનાક્રમ નહીં પરંતુ ટાર્ગેટેડ ઘટનાક્રમ હતો. આ મુસ્લિમ વ્યકિતને હું ઓળખતો નથી પણ એ મને ઓળખતો હતો. તેણે મઠની મર્યાદા ભંગ કરી હિન્દુ સમાજનું અપમાન કર્યુ.
સંવેદનશીલ ઘટનાના પગલે હોસ્પિટલ અને પોલીસ સ્ટેશન એમ બંને સ્થળે બંને કોમના ટોળે ટોળા ભેગા થયા હતાં. અંતે રાતે પોલીસે બંને પક્ષની ફરીયાદ દાખલ કરી હતી. આ આખી ઘટનામાં ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી, જાબીર યાસીન પઠાણ અને આકીબ ખાનને ઇજા પહોંચી છે.
કોણ છે શંકરાચાર્ય મઠનાં મઠાધિપતિ ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી
વર્ષ 2007, 11 ઓક્ટોબરના રોજ અજમેર દરગાહ બોમ્બ બ્લાસ્ટની ઘટના બની હતી. જેમાં દેશની તપાસ એજન્સીઓ દ્વારા બ્લાસ્ટ અંગેની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન પહેલા તો શંકાની સોઇ પાકિસ્તાની આતંકી સંગઠન લશ્કરે તાઇબા પર હતી, પરંતુ બાદમાં તપાસની દિશા બદલાઇ અને અજમેર બ્લાસ્ટમાં ગુજરાતના ભાવેશ પટેલનુ નામ સામે આવ્યું હતુ. બ્લાસ્ટ મામલે કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં ભાવેશ પટેલ અને મધ્ય પ્રદેશના ઝારખંડના રહેવાસી દેવેન્દ્ર ગુપ્તાને આજીવન કેદની સજા કોર્ટે ફટકારી હતી.