ઈસરોના અનેક વૈજ્ઞાનિક (Scientific) મિશન સાથે તેઓ સંકળાયેલા છે. નાસા સહિત વિશ્વના અનેક દેશોમાં કામ કર્યું છે. માત્ર દેશ માટે કામ કરવા અમેરીકા થી પરત આવ્યા.
પ્રોફેસર સંતોષ વડવળે અવકાશના સંશોધનોના ઈતિહાસમાં વિશ્વમાં ભારત દેશનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થઈ ગયું. ચંદ્રયાન-૩ ચંદ્રની ધરતી દક્ષિણ ધ્રુવ ઉપર સૌપ્રથમવાર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ભારત દેશની તાકાતનો પરચો આપ્યો એ આપણાં સૌ ભારતીયો માટે આનંદની ઘડી અને ગૌરવની વાત છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ભારત દેશના વૈજ્ઞાનિકો ચારેકોર ડંકો વગાડી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સહિત સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકોએ ઈસરોની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપ્યા છે. સમગ્ર વિશ્વમાં આપણાં દેશનું યુવાધન મેઘાવી શક્તિના દર્શન કરાવી રહ્યું છે. ત્યારે તાપી જિલ્લામાંથી જેમનું બાળપણ વિત્યું છે એવા વૈજ્ઞાનિક પ્રોફેસર સંતોષ વડવળે સાથે દુરવાણી ઉપર બેંગલોરથી વાતો થઈ.
ચંદ્ર ઉપર સંશોધન કરી રહેલા રોવરની સાચી માહિતી મળી ત્યારે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના વેડછી ગામે સ્વરાજ આશ્રમ ખાતે અભ્યાસ કરીને ચંદ્ર સુધી દેશની કિર્તીને પહોંચાડનાર વિરલ વૈજ્ઞાનિક અને પ્રોફેસર સંતોષ વડવળે અને ઈસરોના વૈજ્ઞાનિકોની સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપવા જ પડે. ગાંધી વિદ્યાપીઠના નિવૃત્ત પ્રા.વસંતભાઈ વડવળે પોતાની કર્મભૂમિ વેડછીને બનાવી અને પોતાનું આયખુ ખર્ચી નાંખ્યું. ગાંધી વિચાર સાથે સાદગીનું જીવન જીવતા અને નિવૃત્તિ બાદ હાલમાં અમદાવાદમાં સ્થાયી થયા છે.તેમના જ દિકરા સંતોષ કે જેઓ Physical Research Laboratory – Dr. વિક્રમ સારભાઈ દ્વારા સ્થપાયેલ જેમાં 2005થી જોડાયા છે. હાલ મિશન ચંદ્રયાન-૩ નું રોવર જે કામ કરી રહ્યું છે એ વિભાગના પ્રિન્સિપલ ઈન્વિસ્ટીગેટર તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા છે.
સખત પરિશ્રમ વિના સિધ્ધિ પ્રાપ્ત થતી નથી. આટલી મોટી સફળતા મળ્યા બાદ આ મિશનમાં યોગદાન આપનાર અનેક વૈજ્ઞાનિકોની રોમાંચક અને પ્રેરક વાતો બહાર આવી રહી છે. પ્રોફેસર.સંતોષ વડવળે ધો.૮ સુધી સ્વરાજ આશ્રમ વેડછીમાં શિક્ષણ મેળવીને ધો.૧૦ બોર્ડની સીધી પરીક્ષા આપી ધો.૧૧,૧૨ એલેમ્બિક વિદ્યાલય,વડોદરા તેમજ એમ.એસ.યુનિવર્સીટી, વડોદરાથી BSC/MSC નો અભ્યાસ કર્યો છે. ત્યારબાદ દેશની પ્રખ્યાત ઈન્સ્ટિટ્યુટ TIFR મુંબઈ ખાતે તેમણે Ph D કર્યું હતું. ત્યારબાદ બે વર્ષ પોસ્ટ ડોકટરેટમાં CFA Centre for Astrophysics, Harvard University થી કર્યું છે. તેમણે અમેરીકાની નાસા સહિત વિશ્વના અનેક દેશોમાં અવકાશના X Ray પ્રોજેકટ ઉપર કામ કર્યું છે. ખૂબજ સરળ સ્વભાવના પ્રોફેસર.સંતોષભાઈ મિશન એક્સપરીમેન્ટ પ્રયોગો કરી અનેક દેશોમાં માર્ગદર્શક, એડવાઈઝર તરીકે કામગીરી કરી છે. શાળા/કોલેજના વિદ્યાર્થીઓને પ્રેરણા પુરી પાડે છે. તેમની સફળતાનો શ્રેય, ન માત્ર ખગોલ ભૌતિક શાસ્ત્ર પરંતુ તેમના પ્રેમ, ધગશ અને અથાગ મહેનતને આપે છે. સાથે સાથે તેમના પરિવારના વડીલોનાં આશીર્વાદ અને ગુરૂજનોનો પણ તેટલો જ ફાળો છે. તેમના જીવન સંગીની નિલમબહેન વિશે જણાવતાં ડૉ. વડવળે કહે છે કે તેમની અતિશય વ્યાવસાયિક વ્યસ્તતામાં ઘર, બાળકો, તેમનું શિક્ષણ અને પરિવારની પૂરી જવાબદારી કુશળતાથી ધીરજપૂર્વક નિભાવી તેમની આ સફરના 24 વર્ષથી સાથી રહ્યા છે.
ચંદ્રયાન – 2 ની શરૂઆત વર્ષ ૨૦૦૯ – ૧૦ માં રશિયા સાથેના જોઈન્ટ પ્રોજેક્ટ તરીકે થઈ હતી. તેમાં ઓર્બિટર/રોવર જ આપણે (ISRO) દ્વારા બનાવવાના હતા. લેન્ડર રશિયાનું હતું. પણ ૨૦૧૧ માં રશિયાનું એક મિશન ફેઈલ થવાથી આપણે (ISRO) પૂર્ણ મિશન બનાવવાનું નક્કી કર્યું. પ્રોફેસર સંતોષભાઈનું ઈન્સ્ટ્રુમેન્ટ APXS પેલોડ ચંદ્રની સપાટી પર આવેલ તત્વો વિશે માહિતી મેળવશે. આ વિષયક ફોટોગ્રાફ, ત્યાંની સપાટી નું તાપમાન અને તત્વોનો ડેટા મેળવી પ્રોફેસર વડવળે અને તેમની ટીમ સંશોધન કરશે. હવે સંપૂર્ણ આપણી ટેકનોલોજીનો ઉપયોગ કરીને આત્મનિર્ભર બન્યા છીએ. હવે પછીનું મિશન આદિત્ય- L1 અને બીજા ૩/૪ મહિનામાં X Po Sat લોન્ચ થશે. પ્રોફેસર સંતોષ વડવળેએ દેશના તમામ શુભેચ્છકોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિત તાપી જિલ્લા વહીવટી તંત્ર,ગાંધી વિદ્યાપીઠ અને સ્વરાજ આશ્રમ વેડછી પરિવારે માનવજાતના આ મહાન સંશોધન કાર્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી છે.