મહારાષ્ટ્રના સાતારામાં તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બે સમુદાયો વચ્ચે પથ્થરમારો અને આગચંપીના અહેવાલ મળી રહ્યા છે. આ હિંસામાં એક વ્યક્તિ પણ ઘવાયો હતો. સૂત્રો અનુસાર 15 ઓગસ્ટના રોજથી સોશિયલ મીડિયા પર વિવાદિત પોસ્ટ બાદથી ખટાવ તાલુકાની આજુબાજુ સમગ્ર સાવલીમાં તણાવની સ્થિતિ જોવા મળી રહી હતી. મહાપુરુષો વિશે વિવાદિત ટિપ્પણીઓ પણ કરાઈ હતી.
મંદિરને નિશાન બનાવાયું, પથ્થરમારો થયો
માહિતી અનુસાર ગત રાતિએ મામલો બીચક્યો હતો અને ધાર્મિક જગ્યાઓ પર એક પ્રાર્થના સ્થળ અને મંદિરને નિશાન બનાવાયા હતા. પોલીસે બંને ટોળાને કાબૂમાં લેવા માટે બળપ્રયોગ કર્યો હતો અને લોકોની ભીડને વેરવિખેર કરી હતી. આ દરમિયાન જ આગચંપી અને તોડફોડની ઘટનાઓ પણ બની હતી. હાલમાં સાવચેતીના પગલાં સ્વરૂપે ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે.
અથડામણ કેમ થઈ?
અહેવાલો અનુસાર કથિત વાંધાજનક સોશિયલ મીડિયા પોસ્ટ અંગે રવિવારે મહારાષ્ટ્રના સાતારા જિલ્લા ખટાવ તાલુકામાં કોમી રમખાણો થયા હતા જેમાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો અને અનેક ઘરોને આગચંપી કરાઈ હતી. અધિકારીઓએ કહ્યું કે ઈન્ટરનેટ સેવા બંધ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં જાણ થઈ કે ક્ષેત્રના એક વિશેષ સમુદાયના કેટલાક યુવાઓ દ્વારા કરાયેલી સોશિયલ મીડિયાને લીધે રવિવારે રાતે આ હિંસા ભડકી હતી.