ચીને નેપાળને લોન આપીને પોખરા એરપોર્ટ બનાવી આપ્યુ છે. સાથે સાથે નેપાળે લોન પર ચીન પાસેથી પાંચ વિમાનો પણ ખરીદયા હતા. આ એરપોર્ટ હવે નેપાળ માટે ધોળો હાથી સાબિત થઈ રહ્યુ છે. બીજી તરફ જે વિમાનો ખરીદયા હતા તે પણ ભંગાર નિકળ્યા છે અને કેટલાય મહિનાઓથી ઉડયા વગર પડી રહ્યા છે.
આમ નેપાળને કોઈ કમાણી થઈ રહી નથી રહી અને ઉલટાનુ ચીનની લોન ભરવાનો વારો આવ્યો છે. આ બંને પ્રોજેકટની લોન 30 અબજ ડોલર થવા જાય છે. નેપાળના પીએમ પ્રચંડ આગામી દિવસોમાં ચીનની મુલાકાત લેવાના છે ત્યારે તેઓ ચીનને આ બંને લોન માફ કરવા માટે અપીલ કરવાના છે તેવુ નેપાળી મીડિયાનુ કહેવુ છે.
નેપાળ એવુ પણ ઈચ્છે છે કે, ચીન દ્વારા નેપાળમાં હાથ ધરાયેલો બેલ્ટ એન્ડ રોડ ઈનિશિએટિવ પ્રોજેકટ લોન નહીં પણ ગ્રાંટ દ્વારા પૂરો કરવામાં આવે. કારણકે ચીન બહુ મોંઘી લોન આપી રહ્યુ છે અને તેના કારણે દુનિયાના ઘણા દેશો ચીનના દેવાદાર બની ચુકયા છે.
ચીનના નિમંત્રણ બાદ ચીનની મુલાકાતે જઈ રહેલા પ્રચંડ વેપાર ઉર્જા સહયોગ, ટુરિઝમ અને સીમા વિવાદ પર ચીન સાથે વાત કરશે. નેપાળ જે રીતે ભારત સાથે ઈલેક્ટ્રિસિટી માટે ડીલ થઈ છે તેવી ડીલ ચીન સાથે કરવાનુ હતુ પણ તે આ મુલાકાત દરમિયાન નહીં થાય તેવુ મનાઈ રહ્યુ છે.