સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા તેમજ ૧૫ બેન્કોના કન્સોર્ટિયમ સાથે રૃા. ૩,૮૪૭.૫૮ કરોડનો ફ્રોડ કરવાના આરોપ બદલ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટીગેશન (સીબીઆઈ)એ યુનિટી ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ લિ., તેના ચેરમેન મેનેજિંગ ડાયરેક્ટર કિશોર અવરસેકર, ત્રણ અન્ય ડાયરેક્ટરો અને નહિ ઓળખાયેલા જાહેર કર્મચારીઓ સામે એફઆઈઆર નોંધીને નિર્ણાયક કાર્યવાહી કરી છે.
મુંબઈમાં સ્ટેટ બેન્કની સ્ટ્રેસ્ડ એસેટ્સ મેનેજમેન્ટ બ્રાન્ચ ૧ના ડેપ્યુટી જનરલ મેનેજર દ્વારા દાખલ કરાયેલી ફરિયાદના અનુસંધાનમાં આ એફઆઈઆર દાખલ કરાઈ હતી. એફઆઈઆરમાં આરોપી તરીકે યુનિટી ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ લિ. કિશોર અવરસેકર, ઉપાધ્યક્ષ અભિજિત અવરસેકર, એક્ઝેક્યુટિવ ડાયરેક્ટર આશિષ અવરસેકર, પ્રમોટર પુષ્પા અવરસેકર તેમજ નહિ ઓળખાયેલા જાહેર કર્મચારીઓ તેમજ ખાનગી વ્યક્તિઓ નામ સામેલ છે.
ફરિયાદમાં જણાવાયું છે કે યુનિટી ઈન્ફ્રાપ્રોજેક્ટ્સ લિ.એ સ્ટેટ બેન્ક અને અન્ય કન્સોર્ટિયમ બેન્કો પાસેથી રૃા. ૩,૮૦૦ કરોડની લોન અને ક્રેડિટ સુવિધા મેળવી હતી. ગુનો મુંબઈમાં બેન્કની કમર્શિયલ બ્રાન્ચમાં થયો હતો જ્યાં ગુનેગારોએ બોગસ સોદા, એકાઉન્ટમાં ગોટાળા કરીને બેન્ક સાથે છેતરપિંડી કરવાના ઈરાદા સાથે તેમજ આ અપરાધમાંથી નફો રળવા માટે ફંડને અન્યત્ર વાળી દીધા હતા.
એફઆઈઆરમાં ભારતીય પીનલ કોડના સેક્શન ૧૨૦ બી, ૪૨૦ હેઠળ અને પ્રીવેન્શન ઓફ કરપ્શન એક્ટના સેક્શનો ૧૩(૨), ૧૩(૧)(ડી) હેઠળ ગુનાહિત ષડયંત્ર, છેતરપિંડી અને ગુનાહિત વર્તન જેવા ગંભીર આરોપો લગાવાયા છે.