ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતીય શૂટરોએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. આ મેડલ પુરુષોની 10 મીટર એર રાઈફલની ટીમે જીત્યો છે. ભારતીય શૂટર એશ્વર્ય પ્રતાપ સિંહ, દિવ્યાંશ સિંહ અને રુદ્રાંશ પાટિલે 1893.7ના સ્કોર સાથે વર્લ્ડ રેકોર્ડ બનાવીને ભારતને પ્રથમ ગોલ્ડ મેડલ અપાવ્યો છે. જેની સાથે ભારતે કુલ 10 મેડલ જીતી લીધા છે.
એશિયન ગેમ્સના બીજા દિવસે સોમવારે (25 સપ્ટેમ્બર, 2023) ભારતની શરૂઆત જ ગોલ્ડ મેડલથી થઈ હતી. પુરુષોની 10 મીટર એર રાઈફલમાં ભારતીય શૂટરોની ત્રિપુટીએ પ્રથમ શ્રેણીથી જ સારું પ્રદર્શન કરીને આગેકૂચ કરી હતી. આ લીડ જાળવી રાખીને ત્રણેય શૂટરોએ બીજી, ત્રીજી, ચોથી, પાંચમી અને છઠ્ઠી શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કરી લીધો.
એશિયન ગેમ્સમાં ભારતીય શૂટરોએ 1893.7 પોઈન્ટ સાથે ગેમ જીતીને ગોલ્ડ મેડલ ભારતના નામે કર્યો હતો. સામાન્ય રીતે શૂટિંગમાં ચીનનો દબદબો રહ્યો છે. પરંતુ આ વખતે ભારતે 10 મીટર પુરુષોની રાઈફલમાં ચીનને હરાવી દીધું છે. ચીન ત્રીજા અને કોરિયા બીજા નંબર પર રહ્યું. કોરિયાને 1890.1 પોઈન્ટ મળ્યા છે. જ્યારે ચીનના શૂટરોએ 1888.2 પોઈન્ટ મેળવ્યા હતા.
GOLD MEDAL ALERT 🚨
India wins the FIRST GOLD at #AsianGames2023 and Shooting brings it
As much talked about 10m Air Rifle Men Team does a phenomenal job to strike Gold Medal
✨Rudrankksh Patil | 632.5 | Rk3
✨Aishwary Tomar | 631.6 | Rk5
✨Divyansh Panwar | 629.6 | Rk9 pic.twitter.com/POUoNS5U0C
— IndiaSportsHub (@IndiaSportsHub) September 25, 2023
આ ઉપરાંત એશિયન ગેમ્સના બીજા દિવસે ભારતીય રોઇંગ ટીમે પણ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. ચાર સભ્યોની ભારતીય પુરુષ રોઇંગ ટીમે આ સિદ્ધિ મેળવી હતી. ભારતીય એથ્લેટ ભીમ, પુનીત જસવિંદર અને આશિષ શામિલે 6:10.81 મિનિટમાં રેસ પૂરી કરી.
પ્રથમ દિવસે જીત્યા હતા 5 મેડલ
ઉલ્લેખનીય છે કે એશિયન ગેમ્સના પ્રથમ દિવસે જ ભારતે 5 મેડલ મેળવી લીધા હતા. જેમાં પ્રથમ મેડલ શૂટિંગમાં મળ્યું હતું. મેહુલી ઘોષ, આશી ચૌકસે અને રમિતાએ મહિલાઓની 10 મીટર એર રાઇફલ ટીમ ઇવેન્ટમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો. આ દરમિયાન તેમનો કુલ સ્કોર 1886.0 રહ્યો હતો. એ સિવાય ભારતને બીજો સિલ્વર મેડલ પુરુષોની રોઇંગમાં પણ મળ્યો છે.
રોઇંગમાં પુરુષોની લાઇટવેટ ડબલ્સ સ્કલ્સમાં અર્જુન લાલ જાટ અને અરવિંદ સિંહે સિલ્વર મેડલ જીત્યો છે. આ જોડી 6:28.18 સેકન્ડના સમય સાથે બીજા સ્થાને રહી છે. આ સિવાય ત્રીજો મેડલ પણ રોઇંગમાં જ મળ્યો છે. બાબુ લાલ યાદવ અને રામ લેખે મેન્સ ડબલ્સની ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. આ સિવાય એક મેડલ શૂટિંગમાં મળ્યો છે. રમિતાએ વિમેન્સ 10 મીટર એર રાઇફલ્સમાં બ્રોન્ઝ જીત્યો છે. જ્યારે અન્ય એક બ્રોન્ઝ મેડલ રોઇંગમાં મળ્યો છે.