ભારત અને કેનેડા વચ્ચે વધી રહેલા તણાવ ને ધ્યાનમાં રાખીને કેનેડાની સરકારે ભારતમાં તેના નાગરિકો માટે ફરી એકવાર ટ્રાવેલ એડવાઈઝરી જાહેર કરી છે. આ નવી ટ્રાવેલ એડવાઈઝરી અનુસાર કેનેડાની સરકારે તેના નાગરિકોને ‘સતર્ક રહેવા અને સાવચેતી રાખવા’ કહ્યું છે. કેનેડાની સરકારે કહ્યું છે કે કેનેડા અને ભારતમાં તાજેતરના ઘટનાક્રમ અને દેખાવોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ના ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જર ની હત્યા પાછળ ભારતનો હાથ હોવાના નિવેદન બાદ ભારત અને કેનેડા વચ્ચે તણાવ વધી ગયો છે. ભારત સરકારે પીએમ જસ્ટિન ટ્રુડોના આરોપોને ‘વાહિયાત’ અને ‘તથ્યપૂર્ણ’ ગણાવીને ફગાવી દીધા હતા. ભારત માટે આતંકવાદી મનાતો નિજ્જર 18 જૂને કેનેડાના સરેમાં માર્યો ગયો હતો.
કેનેડિયન નાગરિકોને સતર્ક રહેવાની સલાહ
કેનેડાની સરકારે તેની ટ્રાવેલ એડવાઈઝરીમાં જણાવ્યું હતું કે, “કેનેડા અને ભારતમાં તાજેતરના ઘટનાક્રમ મામલે સોશિયલ મીડિયા પર કેનેડા પ્રત્યે વિરોધ અને કેટલીક નકારાત્મક લાગણીઓ જોવા મળી રહી છે. કૃપા કરીને જાગ્રત રહો અને સાવચેતી રાખો. ગત અઠવાડિયે ભારતે પણ કેનેડામાં રહેતા ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ માટે સમાન એડવાઈઝરી જારી કરી હતી.
ભારતે પણ કેનેડા જતા લોકોને આપી ચેતવણી
જ્યારે બીજી બાજુ ભારત સરકાર દ્વારા પણ ભારતીય નાગરિકો, કેનેડામાં રહેતા વિદ્યાર્થીઓ અને કેનેડાની મુલાકાત લેવાની યોજના ધરાવનારાઓને ભારત સરકાર દ્વારા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. વિદેશ મંત્રાલય (MEA) દ્વારા જારી કરાયેલી એક નોટિફિકેશન અનુસાર કેનેડામાં ભારતીય નાગરિકો અને ભારતીય વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવી છે કે તેઓ કેનેડામાં એવા વિસ્તારો અને સંભવિત સ્થળોએ મુસાફરી કરવાનું ટાળે જ્યાં ભારત વિરોધી પ્રવૃત્તિઓ વધી રહી છે.