આજે 26 સપ્ટેમ્બરે પીએમ મોદીએ નવમા રોજગાર મેળા પ્રસંગે 51 હજાર યુવાનોને નિમણૂક પત્રો આપ્યા હતા. આ રોજગાર મેળાનું સમગ્ર દેશમાં 46 જુદા-જુદા કેન્દ્રો પર આયોજન કરવામાં આવ્યું હતું. આ પહેલા આયોજિત 8મા રોજગાર મેળામાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 51 હજારથી વધુ યુવાનોને જોઇનીંગ લેટર આપ્યા હતા. કેન્દ્ર સરકાર દ્વારા મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
પ્રથમ રોજગાર મેળામાં 75,000 થી વધુ નિમણૂક પત્રો
અત્યાર સુધીમાં દેશભરમાં કુલ 9 વખત રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પસંદગી પામેલા યુવાનોને તાલીમ બાદ વિવિધ વિભાગોમાં નિમણૂક આપવામાં આવશે. પીએમ રોજગાર મેળો 22 ઓક્ટોબર 2022 ના રોજ શરૂ થયો હતો અને પ્રથમ રોજગાર મેળામાં 75,000 થી વધુ નિમણૂક પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. પસંદગી પામેલા યુવાનોને આવકવેરા વિભાગ, રેલવે સહિત વિવિધ વિભાગોમાં પોસ્ટ કરવામાં આવશે. વિભાગોમાં હાજર થશે તે પહેલા આ યુવાનોને સરકાર દ્વારા તાલીમ પણ આપવામાં આવશે.
જાણો ક્યાં રોજગાર મેળામાં કેટલાને અપાઈ નિમણૂક
બીજા મેળાનું આયોજન 22 નવેમ્બર 2022 ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં લગભગ 71,000 લોકોને નિમણૂક પત્રો મળ્યા હતા. ત્રીજો અને ચોથો મેળો અનુક્રમે 20 જાન્યુઆરી, 2023 અને 13 એપ્રિલ, 2023 ના રોજ યોજાયો હતો. જેમાં 71,000 થી વધુ યુવાનોને નિમણૂક પત્રો મળ્યા હતા.
પાંચમો રોજગાર મેળો 16 મે, છઠ્ઠો 13 જૂન અને સાતમો 22 જુલાઈ 2023ના રોજ યોજાયો હતો, જેમાં 70,000 થી વધુ લોકોએ નિમણૂક પત્રો મેળવ્યા હતા. આઠમા રોજગાર મેળાનું આયોજન 28 ઓગસ્ટ 2023 ના રોજ કરવામાં આવ્યું હતું, જેમાં દેશભરમાં 51,000 થી વધુ લોકોએ સરકારી પોસ્ટ માટે નિમણૂક પત્રો મેળવ્યા હતા.
વિવિધ રાજ્યોમાં રોજગાર મેળાનું આયોજન
કેન્દ્ર સરકારનો લક્ષ્ય લોકસભા ચૂંટણી પહેલા 10 લાખ યુવાનોને નોકરી આપવાનો છે. તેના અનુસંધાનમાં દર મહિને રોજગાર મેળાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દેશભરના વિવિધ રાજ્યોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવે છે.