રાષ્ટ્રને આઝાદી અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મહાન શહિદ ભગતસિંહની આજે ૧૧૬મી જન્મ જયંતિ છે. ૨૭ સપ્ટેમ્બર, ૧૯૦૭ના દિવસે બ્રિટિશ ઇંડિયાના પંજાબ પ્રાંતમાં આવેલા લાયલપુર જિલ્લાના બાંગા ગામમાં તેઓનો જન્મ થયો હતો. અત્યારે તે ગામ પાકિસ્તાનના ફૈઝાબાદ જિલ્લામાં આવેલું છે.
ભગતસિંહની ઉપર બ્રિટિશ ગવર્નર ઉપર બૉમ્બ ફેંકવાનો આરોપ હતો. ફાંસીની સજા નિશ્ચિત હતી. પરંતુ તેઓ ડગ્યા નહીં તેમજ તેઓના સાથીઓ સુખદેવ કે રાજગુરૂ પણ ડગ્યા નહીં. ત્રણેને ૨૩ માર્ચ, ૧૯૩૧ના દિવસે ફાંસી આપવામાં આવી હતીં, સ્થળ હતું લાહોર જેલ.
તેઓને જ્યારે ફાંસીના માંચડે લઈ જવાતા હતા ત્યારે કારાવાસમાં જ રહેલા કોંગ્રેસના નેતાએ પૂછ્યું, ‘તમે બચાવ કેમ ન કર્યો ?’ (કોર્ટમાં) ત્યારે ભગતસિંહનો જવાબ હતો : ‘ઇન્કિલાબીઓએ તો મરવાનું જ હોય છે, બચાવ કરવાનો હોતો નથી.’
જન્મે શીખ હોવા છતાં ભગતસિંહે ગુપ્ત રહેવા માટે દાઢી કઢાવી નાખી હતી. મૂછો પાતળી રાખી તેના ‘આંકડા’ ઊંચા રાખ્યા હતા.
ગવર્નર પર બૉમ્બ ફેંક્યા પછી તેઓ નાસી ગયા હતા. ત્યારે કોઈ ગામમાં બ્રિટિશ અધિકારીએ આ ‘ભગતસિંહ’ હોઈ શકે તેવો વહેમ જાગ્યો. તેણે હિન્દુસ્તાનીમાં પૂછ્યું ‘તુમ્હારા નામ ક્યા હૈ ?’ જવાબ મળ્યો : ‘સર! વોટ ઇઝ ઇન નેઇમ ?’ ‘જુલિયસ સીઝર’ નામ કે શેક્સપીયરના કથાનકમાં કેશિયએ પૂછેલો આ પ્રશ્ન એક ગામડીયો ક્યાંથી જાણી શકે ? નક્કી ભગતસિંહ જ છે તેવી ખાતરી થવાથી તેઓની તુર્ત જ ધરપકડ કરવામાં આવી. લાહોર જેલમાં બંધ કરી દેવામાં આવ્યા.
૨૩ માર્ચ, ૧૯૩૧ના દિને ત્રણે ક્રાંતિવીરો ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂને ફાંસી આપવામાં આવશે તેવી જાહેરાત થઈ એવું પણ કહેવાય છે કે, તે સમયે વાઇસરોયે જણાવ્યું હતું કે, જો ‘ગાંધી’ તે ત્રણેને માટે માફી માંગે તો તમની સજા માફ કરી તે જન્મટીપમાં ફેરવવા હું મારા વિશેષાધિકાર પ્રમાણે આદેશ આપીશ. પરતુ બાપુનો જવાબ ‘હતો હું કોઈ પણ કારણશર ભલેને સર્વોચ્ચ હિત માટે હોય તો પણ તે માટે કરાતી હિંસાને સ્વીકારી શકીશ નહીં.’
આખરે ૨૩ માર્ચ, ૧૯૩૧નો ‘કાળો દિવસ’ આવ્યો ભારતના ત્રણે મહાન સપુતોનો તે અંતિમ દિવસ હતો. ગોરાઓને બીક હતી કે જેલની બહાર પ્રચંડ માનવ મેદની જામી જશે. જેલમાં કેદીઓ પણ તોફાને ચઢશે. બધા કેદીઓને કોટડીઓમાં જવા કહી દીધું. દરમિયાન કાનફુસિયા થઈ ગયા હતા કે આજે આ ત્રણ વીરોને ફાંસી અપાશે.
તેઓને ફાંસી આપતા પૂર્વે ૪ વાગે જ તમામ કેદીઓને કોટડીઓમાં પૂરી દીધા તેઓને ફાંસીના માચડે લઈ જવાતા હતા ત્યારે કોંગ્રેસી નેતા ભીમસેન સચ્ચરે મોટેથી ભગતસિંહને કહ્યું, ‘તમોએ લાહોર કોન્સ્પીરન્સી કેસમાં તમારો બચાવ શા માટે ન કર્યો ?’ ત્યારે ભગતસિંહે જવાબ આપ્યો, ‘ઇન્કિલાબીઓએ તો મરવાનું જ હોય છે તેઓના મૃત્યુથી અભિયાન વધુ મજબૂત થાય છે. અદાલતમાં અપીલ કરવાથી નહીં’ ફાંસીના માચડે જતા પહેલા ક્રાંતિવીરોએ ગાયું : ‘કભી વો દિન આયેગા કી જબ હમ આઝાદ હોંગે, યે અપની જમીન હોગી, અપના હી આસમાં હોગા…!’ ફાંસી પર ભગતસિંહને ચડાવ્યા તે પહેલાં કોઈએ કાનમાં કહ્યું : ‘વાહે ગુરૂને યાદ કરી લો !’ ત્યારે જવાબ હતો : ‘આખી જિંદગી મેં ઇશ્વરને યાદ નથી કર્યો હવે યાદ કરું તો તેઓ માનશે કે હું ડરપોક છું તેથી માફી માગવા આયો છું.’ જીવનના છેલ્લા શ્વાસ સુધી અડગ અને અણનમ રહેલા આ વીર શહિદને તેઓના ૧૧૬મા જન્મ દિને શત શત કોટી પ્રણામ.