ઓક્ટોબર મહિનાની પ્રથમ તારીખે કેન્દ્ર સરકાર માટે સારા સમચાર આવ્યા છે. સપ્ટેમ્બર, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૬૨ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જે વાર્ષિક ધોરણે ૧૦ ટકાની વૃદ્ધિ દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આ ચોથો મહિનો છે જેમાં જીએસટી કલેેકશન ૧.૬૦ લાખ કરોડ રૂપિયાથી વધારે રહ્યું છે. સપ્ટેમ્બર, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧,૬૨,૭૧૨ કરોડ રૂપિયા રહ્યું છે. જેમાં સેન્ટ્રલ જીએસટી (સીજીએેસટી) ૨૯,૮૧૮ કરોડ રૂપિયા, સ્ટેટ જીએસટી (એસજીએસટી) ૩૭,૬૫૭ કરોડ રૂપિયા, ઇન્ટેગ્રેટેડ જીએસટી ૮૩,૬૨૩ કરોડ રૂપિયા અને સેસ ૧૧,૬૧૩ કરોડ રૂપિયા સામેલ છે. બીજી બાજુ દેશમાં ફેસ્ટિવલ સીઝન અગાઉ મોંઘવારી મુદ્દે લોકોને મોટો આંચકો લાગ્યો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કર્યો છે. ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ૨૦૯ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં ૧૯ કીલોના કોમર્શિયલ એલપીજીના સિલિન્ડરનો ભાવ વધીને ૧૭૩૧.૫૦ રૂપિયા થઇ ગયો છે.
ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન ૧.૪૭ લાખ કરોડ રૂપિયા રહ્યું છે. જેની સરખામણીમાં ચાલુ વર્ષે સપ્ટેમ્બરમાં જીએસટી કલેક્શન ૧૦ ટકા વધારે રહ્યું છે.
ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના છ મહિનામાં જીએસટી કલેક્શન ૯,૯૨,૫૦૮ કરોડ રૂપિયા રહ્યું છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં ૮૯૩૩૩૪ કરોડ રૂપિયા હતું. જે ૧૧ ટકાની વૃદ્ધિ દર્શાવે છે.
ગયા મહિને એટલે કે ઓગસ્ટ, ૨૦૨૩માં જીએટી કલેક્શન ૧,૫૯,૦૬૯ કરોડ રૂપિયા રહ્યું હતું. દેશમાં જુલાઇ, ૨૦૧૭માં જીએસટી અમલમાં મૂકવામાં આવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીનું સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રિલ, ૨૦૨૩માં નોંધવામાં આવ્યું છે. એપ્રિલ, ૨૦૨૩માં જીએસટી કલેક્શન ૧.૮૭ લાખ કરોડ રૂપિયા રહ્યું હતું.
દરમિયાનમાં ૧૪.૨ કીલોના ડોમેસ્ટિક એલપીજી સિલિન્ડરના ભાવમાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. દિલ્હીમાં ૧૪.૨ કીલો ડોમેસ્ટિક સિલિન્ડરનો ભાવ ૯૦૩ રૂપિયાએ સ્થિર રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ડોમેસ્ટિક એલપીજીમાં ૨૯ ઓગસ્ટે ૨૦૦ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો.
વિમાનમાં વાપરવામાં આવતા ઇંધણ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એએટીએફ)ના ભાવમાં ૫.૧ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ દિલ્હીમાં ૧ કીલોલીટર એટીએફનો ભાવ ૫૭૭૯.૮૪ રૂપિયા વધીને ૧૧૮૧૯૯.૧૭ રૂપિયા થઇ ગયો છે.
સરકારે ડોમેસ્ટિક કુદરતી ગેસના ભાવમાં પણ વધારો કર્યો છે. એક મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ)નો ભાવ ૮.૬૦ ડોલરથી વધારી ૯.૨૦ ડોલર કરવામાં આવ્યો છે. સળંગ બીજા મહિને કુદરતી ગેસના ભાવ વધારવામાં આવ્યા છે. આ અગાઉ સપ્ટેમ્બરમાં એક મેટ્રિક મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ (એમએમબીટીયુ)નો ભાવ ૭.૮૫ ડોલરથી વધારી૮.૬૦ ડોલર કરવામાં આવ્યો છે.