ભારત અને કેનેડા વચ્ચે ખાલિસ્તાનને લઈને વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. ભારત સરકારે કેનેડાના ડઝનેક રાજદ્વારીઓને દેશ છોડવાનો આદેશ જારી કર્યો છે. અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે. સુત્રો પરથી મળતી માહિતી અનુસાર, ભારત સરકારે કેનેડાને તેના રાજદ્વારીઓને ભારત છોડવા કહ્યું છે. આ મામલે રીપોર્ટ તો એવું પણ કહી રહ્યા છે કે, મોદી સરકારે 40 કેનેડિયન રાજદ્વારીઓને 10 ઓક્ટોબર સુધીમાં ભારત છોડી દેવા આદેશ કર્યો છે. હાલમાં ભારતમાં કેનેડાના 62 રાજદ્વારીઓ કામ કરે છે.
પહેલેથી વિદેશ મંત્રાલયે આપ્યો હતો સંકેત
ભારત સરકારે પહેલેથી જ આનો સંકેત આપ્યો હતો જ્યારે વિદેશ મંત્રાલયે કહ્યું હતું કે, ભારતમાં કેનેડિયન રાજદ્વારીઓ તૈનાત છે. આવી સ્થિતિમાં તેમની સંખ્યા ઘટાડવાની જરૂર છે. કેનેડા તરફથી હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આવી નથી, પરંતુ એવું માનવામાં આવે છે કે કેનેડામાંથી ભારતીય રાજદ્વારીઓની સંખ્યામાં ઘટાડો થઈ શકે છે.