ભારતમાં એરલાઇન્સમાં પાઇલોટ અને ક્રૂ મેમ્બર માટે દારૂ સંબંધિત નિયમો ખૂબ જ કડક છે. હવે મળતી માહિતી પ્રમાણે ભારતમાં પાઈલટ અને ફ્લાઈટ ક્રૂ મેમ્બરો દ્વારા પરફ્યુમના ઉપયોગ પર પ્રતિબંધ લાગી શકે છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ પ્રસ્તાવ મૂક્યો છે. જો આ મંજૂર થઈ જશે, તો પાઈલટ્સ અને ફ્લાઈટ ક્રૂ મેમ્બર્સને ફ્લાઈટ દરમિયાન પરફ્યુમ લગાવવાન મંજૂરી આપવામાં આવશે નહીં.
મળતી માહિતી પ્રમાણે, DGCA જે લોકો આવું કરતા જોવા મળે તેમની સામે કાર્યવાહી કરી શકે છે. એક અહેવાલ મુજબ, પરફ્યુમ સિવાય, તે દવાઓ અને માઉથવોશ પ્રોડક્ટ પર પણ પ્રતિબંધ મૂકવાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો છે જેમાં આલ્કોહોલ હોય છે. આ પ્રોડક્ટોને કારણે, બ્રેથલાઈઝર ટેસ્ટ પ્રભાવિત થઈ શકે છે.
મેડિકલ ટેસ્ટની પદ્ધતિમાં ફેરફાર થવા જઈ રહ્યો છે
ડીજીસીએએ પોતાના પ્રસ્તાવમાં કહ્યું છે કે, ક્રૂ મેમ્બર્સ અથવા પાઇલોટ હવે આલ્કોહોલ હોય એવી કોઈ દવા, પરફ્યુમ કે ડેન્ટલ પ્રોડક્ટ્સનો ઉપયોગ નહીં કરે. આ કારણે ટેસ્ટ પોઝિટિવ આવી શકે છે અને તે પછી તે કર્મચારી વિરુદ્ધ કાર્યવાહી થઈ શકે છે. આ સાથે આ પ્રસ્તાવમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, જો કોઈ ક્રૂ મેમ્બર આવી દવા લે છે તો તેણે તે પહેલા ડોક્ટરની સલાહ લેવી પડશે.
પરફ્યુમ પર પ્રતિબંધ પાછળનું કારણ શું છે?
પરફ્યુમમાં આલ્કોહોલની થોડી માત્રા હોય છે. આવી સ્થિતિમાં, પ્રસ્તાવિત રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે પરફ્યુમમાં હાજર થોડો આલ્કોહોલ બ્રેથ એનાલાઈઝર ટેસ્ટને અસર કરી શકે છે કે કેમ?