ઈઝરાયલ-પેલેસ્ટાઇન યુદ્ધે અત્યંત ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે, ત્યારે છેલ્લા 48 કલાકમાં મોતનો આંકડો 1 હજારને પાર પહોંચ્યો છે, હમાસના હુમલામાં 700થી વધુ ઇઝરાયલ નાગરિકોના મોત થયા છે. જ્યારે ઇઝરાયલના વળતા પ્રહારમાં 450 પેલેસ્ટિનિયનોના મોત થયા છે. બંન્ને દેશોના કુલ 2 હજાર 300 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
હમાસના આતંકીઓએ 100થી વધુ લોકોને બંધક બનાવ્યા છે. જો કે હમાસના હુમલા બાદ ઇઝરાયલે હવાઇ હુમલા તેજ કરી દીધા છે અને હમાસને જોરદાર જવાબ આપી રહ્યું છે. ઇઝરાયલી સંરક્ષણ દળોએ શુજૈયામાં એર એટેક કર્યો હતો. ડઝનબંધ લડાયક વિમાનો શુજૈયાના 150 સ્થળો પર ત્રાટક્યા હતા. હમાસ આતંકીઓનું હેડક્વાર્ટર શુજૈયા મનાય છે. ઇઝરાયલના હુમલાથી હમાસના આતંકીઓમાં અફરાતફરી મચી ગઈ છે. યુદ્ધ વચ્ચે હમાસનો અત્યાર સુધીનો સૌથી મોટો દાવો કર્યો છે.
હજારો ઇઝરાયલી નાગરિકોના અપહરણનો દાવો હમાસ દ્વારા કરવામાં આવ્યો છે. ઇઝરાયલના વળતા પ્રહાર બાદ હમાસે પણ હુમલા વધારી દીધા છે. ગાઝાથી તેલ અવીવ વિસ્તારમાં હમાસના રોકેટ હુમલા કરી રહ્યા છે. બેન ગુરિયન ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ હુમલાના સમાચાર મળી રહ્યા છે.