સુપ્રીમકોર્ટે શિવસેનાના ઉદ્ધવ ઠાકરે જૂથ (Shiv sena UBT) અને એનસીપી (NCP)ના શરદ પવારની અરજીઓ પર આજે સુનાવણી હાથ ધરી હતી. અરજીમાં કોર્ટને મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષને કેટલાક ધારાસભ્યો સામેની અયોગ્યતાની કાર્યવાહી પર તાત્કાલિક નિર્ણય લેવાનો નિર્દેશ આપવાની માગ કરાઈ હતી.
વિધાનસભા અધ્યક્ષને સલાહની જરૂર
સુનાવણી દરમિયાન સુપ્રીમકોર્ટે (Supreme Court) સોલિસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું કે કોઈએ મહારાષ્ટ્ર વિધાનસભા સ્પીકરને સલાહ આપવી પડશે કે તે કોર્ટના આદેશને ફગાવી ના શકે.
જૂન બાદથી કોઈ કાર્યવાહી થઇ નથી
કોર્ટે કહ્યું કે છેલ્લી વખતે અમે વિચાર્યું હતું કે સ્પીકર સારી રીતે મામલાને સમજતા હશે. સુપ્રીમકોર્ટે કહ્યું કે આ મામલે પગલાં ભરવા સ્પીકરને અનિશ્ચિત કાળ સુધીના સમયની જરૂર ન હોય. સ્પીકરે ઝડપી નિર્ણય કરી એ બતાવવું જોઈએ કે તેઓ આ મામલાને ગંભીરતાથી લઈ રહ્યા છે. જૂન બાદથી આ મામલે કોઈ કાર્યવાહી થઈ નથી.
સુપ્રીમકોર્ટે નક્કી કરી ડેડલાઈન
સુપ્રીમકોર્ટે કહ્યું કે સ્પીકરે કોઈ દેખાડો ન કરવો જોઈએ. સુનાવણી થવી જોઈએ. સુપ્રીમકોર્ટનું માનવું છે કે જો 7 ઓક્ટોબર સુધીમાં મહારાષ્ટ્ર વિધાનસભા અધ્યક્ષ દ્વારા યોગ્ય ડેડલાઈન નક્કી નહીં કરવામાં આવે કે ક્યાં સુધીમાં તેઓ નિર્ણય કરશે તો એક મહિનાનો સમય નક્કી થયાનો ફરજિયાત આદેશ આપીશું કેમ કે આદેશનું પાલન થઈ રહ્યું નથી. કોર્ટે કહ્યું કે કમ સે કમ આગામી ચૂંટણી પહેલાં ધારાસભ્યોની અયોગ્યતા અંગે નિર્ણય થઈ જવો જોઈએ.