યુદ્ધ કે સંઘર્ષ કદી કોઇને લાભકર્તા બની શકે જ નહીં તેમ કહેતાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે વિશ્વે માનવ-કેન્દ્રિત અભિગમ રાખવા સાથે સતત આગળ વધતા રહેવું પડશે અને વૈશ્વિક વિશ્વાસ મેળવવા માટે પણ G/20 પરિષદમાં ઉપસ્થિત તમામ સભ્યોને અનુરોધ કર્યો હતો. જી-૨૦ પાર્લામેન્ટરી સ્પીકર્સ સમિટનાં ઉદ્ગાટન પ્રવચનમાં તેઓએ કહ્યું હતું કે વૈશ્વિક વિશ્વાસ મેળવવામાં આવતા તમામ અવરોધો આપણે દૂર કરવા જ રહ્યા. આજનો યુગ શાંતિ અને ભાઇચારાનો છે સાથે મળી આગળ ચાલવાનો છે.
ગત શનિવારે હમાસે ઇઝરાયલ ઉપર અચાનક હુમલો કરી માત્ર મધ્યપૂર્વમાં જ નહીં વિશ્વ-સમસ્તમાં તંગદીલી વધારી દીધી છે.
આ સાથે ૨૦ વર્ષ પહેલાં સંસદ ભવન ઉપર થયેલા હુમલાનો પણ વડાપ્રધાને તે પ્રવચનમાં ઉલ્લેખ કર્યો હતો, અને કહ્યું હતું કે ભારત દાયકાઓથી ત્રાસવાદ વેઠી રહ્યું છે. તેણે હજી સુધીમાં હજ્જારો નિર્દોષોના જાન લીધા છે.
તેઓએ આગળ જણાવ્યું હતું કે હવે વિશ્વને ત્રાસવાદ શું છે તેનું ભાન થયું છે. વાસ્તવમાં ત્રાસવાદ પછી તે ગમે ત્યાં વિસ્તર્યો હોય ગમે તે સ્વરૂપે હોય પરંતુ તે માનવજાત સામેનો અપરાધ જ છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું : જી-૨૦ના ભારતનાં અધ્યક્ષપદને ભારતના લોકોએ ઉત્સવની જેમ વધાવી લીધું છે, સમગ્ર દેશમાં તે સમયે આનંદ ફેલાઈ ગયો હતો. તેવી જ રીતે ચંદ્રયાન-૩નાં ચંદ્ર ઉપરનાં ઉતરાણને ભારતે ઉત્સવ સમાન વધાવી લીધું હતું.