કેન્દ્ર સરકારે એક મહત્ત્વનો નિર્ણય લેતાં નેશનલ હાઇવે પ્રોજેક્ટ્સનો કોન્ટ્રાક્ટ સમાપ્ત થયા બાદ પણ 100% ટોલ ટેક્સ વસૂલવાનો (Toll Tax) નિર્ણય લીધો છે. આ ઉપરાંત ટોલ કંપનીઓને દર વર્ષે ટેક્સમાં જથ્થાબંધ ભાવ સૂચકાંકના પ્રમાણમાં ટેક્સનો દર વધારવાનો અધિકાર રહેશે.
તાજેતરની વ્યવસ્થા કેવી હતી?
હાલની વ્યવસ્થા અનુસાર હાઈવે પ્રોજેક્ટ્સનો કોન્ટ્રાક્ટ પતી જતાં ટોલ ટેક્સના દરમાં 40 ટકાનો ઘટાડો કરી દેવાતો હતો. પણ હવે બાયરોડ મુસાફરી પસંદ કરતાં લોકોને આ મોટો ફટકો પડ્યો છે. તેમને હવે કોઈ રાહત નહીં મળે.
કેન્દ્રએ બહાર પાડી નોટિફિકેશન
માર્ગ પરિવહન તથા હાઇવે મંત્રાલયે આ મામલે 6 ઓક્ટોબરે એક નોટિફિકેશન જાહેર કરી હતી. તેમાં ઉલ્લેખ કરાયો હતો કે નેશનલ હાઈવે ફી (દર નક્કી કરવા અને કલેક્શન) 2008માં સુધારો કર્યો છે. મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે બિલ્ડ ઓપરેટ ટ્રાન્સફર ટોલ પ્રોજેક્ટમાં ટોલ વસૂલીના કોન્ટ્રાક્ટની મુદ્દત પૂરી થયા બાદ ટેક્સના દર 40 ટકા ઘટાડવાનો નિયમ છે. એવું જોવા મળ્યું છે કે કોન્ટ્રાક્ટની મુદ્દત 10થી 15 વર્ષ રહે છે અને હાઈવે પ્રોજેક્ટમાં કરાયેલા ઈન્વેસ્ટમેન્ટની ભરપાઈ ટોલ ટેક્સ વસૂલીથી પૂરી થઈ શકતી નથી. આ ઉપરાંત જમીન સંપાદનના બદલામાં અપાયેલા વળતરની પણ વસૂલી થતી નથી.
કોણ કરશે ટેક્સ વસૂલી
પાંચ વર્ષ બાદ હાઈવેનું સમારકામ, મેઈન્ટેનન્સ વગેરે પાછળ મોટો ખર્ચ થાય છે. એટલા માટે નિયમોમાં ફેરફાર કરી 100 ટકા ટોલટેક્સ વસૂલીનો નિર્ણય લેવાયો છે. આ ટોલ ટેક્સની વસૂલી ખાનગી કંપની અથવા એનએચએઆઈ દ્વારા કરાશે.