ઈઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધના અહેવાલો દરમિયાન એક મોટા અહેવાલ એક મુસ્લિમ દેશ તરફથી આવ્યા છે. ઈજિપ્તે પેલેસ્ટાઈનના મુદ્દાના ભવિષ્ય અંગે એક શિખર સંમેલન આયોજિત કરવાનો નિર્ણય કર્યો છે. તાજેતરમાં જ અમેરિકી વિદેશમંત્રી એન્ટની બ્લિંકન રવિવારે રાજધાની કૈરોની મુલાકાતે પહોંચ્યા હતા. ત્યારે જ ઈજિપ્તે પેલેસ્ટિનીઓના સમર્થનમાં આ જાહેરાત કરી હતી.
ગાઝા પટ્ટીથી આવવા-જવાનો એકમાત્ર રસ્તો પણ બંધ
ગાઝા પટ્ટીની અંદર જવા અને બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો રાફા બોર્ડર ક્રોસિંગ પર ઈજિપ્ત નિયંત્રણ ધરાવે છે. ઈઝરાયલ હમાસના નિયંત્રણ હેઠળના ગાઝા પર તાબડતોબ હુમલા કરી રહ્યું છે ત્યારે તેણે વીજળી-પાણી અને અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓનો સપ્લાય અટકાવી દીધો છે. રાફા બોર્ડરને પણ ઈઝરાયલે મંગળવારે બંધ કરી હતી. આ કારણે ગાઝા અને પેલેસ્ટાઈનમાં ફસાયેલા લોકો બહાર નીકળી શકી રહ્યા નથી. બોર્ડર બંધ હોવાથી માનવ સહાય પણ અટકી ગઈ છે. મદદ સામગ્રીથી ભરેલા ટ્રક રાફા બોર્ડરથી 50 કિ.મી. દૂર થંભી ગયા છે.
ઈજિપ્ત કરશે મેજબાની
ઈજિપ્તના રાષ્ટ્રપતિના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે રાષ્ટ્રપતિ અબ્દેલ ફતેહ અલ સિસીએ ગાઝામાં સૈન્ય અભિયાનની તીવ્રતા અંગે રવિવારે રાષ્ટ્રીય સુરક્ષા પરિષદનું બેઠકનું નેતૃત્વ કર્યું હતું. બેઠકમાં સંઘર્ષને ઘટાડવા અને ગાઝાને જરૂરી મદદ કરવા સહયોગીઓ અને માનવાધિકાર સમૂહો સાથે મળીને રાજદ્વારી પ્રયાસ કરવા પર ભાર મૂકાયો. તેમણે કહ્યું કે આવનારા સમયમાં પેલેસ્ટાઈનના મુદ્દાના ભવિષ્ય અંગે એક પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનની મેજબાની કરશે. જોકે તે ક્યારે યોજાશે તેની કોઈ તારીખ જાહેર કરાઈ નથી.